વિકસિત ભારતના નિર્માણ માટે શિક્ષણ પર ભાર મૂકી બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મૂકતા વિદેશ મંત્રી

ભારત સરકારના વિદેશ મંત્રી શ્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે, પ્રથમ દિવસે લોકાર્પણ અને ખાતમૂહુર્તના વિકાસ કામો જિલ્લાની જનતાને અર્પણ
વિદેશ મંત્રીશ્રીએ તેઓ દ્વારા દત્તક લીધેલા વ્યાધર, આમદલા, જેતપુર અને અગર ગામની મુલાકાત કરી તેઓની ગ્રાન્ટમાંથી નિર્માણ થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નવા તૈયાર થનારા LDR બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યું
ભારત સરકારના વિદેશ મંત્રી શ્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધાર્યા છે. વિદેશ મંત્રીશ્રી તેઓની મુલાકાતના પ્રથમ દિવસે MPLADS અંતર્ગત દત્તક લીધેલા ગામો પૈકી તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાદમાં મંત્રીશ્રીએ અગર ગામ, ગરૂડેશ્વર તાલુકાના આમદલા અને જેતપુર(વઘ.) ગામની મુલાકાત લઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સ, સક્ષમ સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ કરી જવાહર નવોદય વિદ્યાલય-કેવડિયા કોલોનીના ટ્રાન્સપોર્ટ વિહીકલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વિદેશ મંત્રીશ્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, સાંસદ તરીકે ગુજરાતનું છેલ્લા છ વર્ષથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવા સાથે નર્મદા જિલ્લાની પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિશેષ જવાબદારી મળતા મને વારંવાર અહીં આવીને લોકોની સુખાકારી માટેના વિકાસ કાર્યો તેમજ તેમની મુશ્કેલી સાંભળીને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યો છું.
MPLADS હેઠળના ગામોમાં વિકાસના કામો થકી નાગરિકોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય, આરોગ્યની સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય મંદિર (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર), નાનાં ભૂલકાઓ માટે આંગણવાડી, બાળકોના શિક્ષણનો પાયો મજબૂત થાય તે માટે સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ હોય તો બાળકોને શાળામાં જવા માટે ઉત્સાહ વધે તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે બાળકોને સ્માર્ટ બોર્ડ પર અભ્યાસ કરતા અને જાતે પ્રવૃત્તિ કરતા જોઈને આનંદની લાગણી અનુભવું છું.
વધુમાં વિદેશ મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમે ગામલોકોને એસેટ આપીશું પરંતુ લોકો તેનો યોગ્ય ઉપયોગ કરે તે પણ એટલું જ જરૂરી છે. બાળકોને પણ તેનો ફાયદો થાય તેવી રીતે લોકભાગીદારીથી સૌ સાથે મળીને કામ કરીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ખાસ ભાર મૂકી ટેકનોલોજીના સમન્વયથી બાળકોના કૌશલ્યનું ક્ષમતા વર્ધન કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
વિદેશ મંત્રીશ્રીએ તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે અમૃત સરોવરની મુલાકાત કરી હતી. બાદમાં અગર ગામે પહોંચી એલ.ડી.આર. બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. સાથે જવાહર નવોદય વિદ્યાલય કેવડિયા કોલોનીને ફાળવાયેલા ટ્રાન્સપોર્ટ વિહિકલને લીલીઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું.
મંત્રીશ્રી એ ગરુડેશ્વર ખાતે અંદાજે 71 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા હોસ્પિટાલિટી પ્રોજેક્ટ અને ખડગદા પાસે નિર્માણાધિન ટ્રાયબલ મ્યુઝિયમ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરી બંને પ્રોજેક્ટ અંગેની વિગતવાર માહિતી સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી.
વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રકારના પ્રકલ્પો અને સુવિધાઓ ઊભી કરાઇ રહી છે, ત્યારે હાલમાં જ નિર્માણ પામેલા સ્માર્ટ બસ સ્ટેન્ડનું પણ મંત્રીશ્રીએ નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ એકતાનગરના મિયાંવાકી ફોરેસ્ટની મુલાકાત લીધી હતી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. ત્યાંથી સ્ટોચ્યુ ઓફ યુનિટી માર્ગ પર વાગડિયા ગામમાં નિર્માણાધીન ટાટા ગ્રુપના હોટલ પ્રોજેક્ટની કામગીરી નિહાળી હતી.
વિદેશ મંત્રીશ્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા અને નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસે સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની વિગતવાર જાણકારી મેળવી અત્યંત આનંદની લાગણી વ્યકત કરી હતી. અને વિઝિટર બુકમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. SOUની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે નિખાલસતાથી હળવા મૂડમાં ચર્ચા પણ કરી હતી.