ચોમાસામાં ભેજવાળી હવામાં ત્વચા પર ચેપ લાગવાનું જાેખમ પણ વધે છે
ચોમાસામાં ટાળો એલર્જીની તકલીફો-શ્વસન માર્ગ અને ત્વચાના ચેપ સંબંધિત એલર્જીમાં વધારો થવાનો આરંભ થઈ ગયો છે.
ચોમાસામાં શહેરમાં માત્ર લેપ્ટોસ્પાઈરોસીસ, ડેગ્યુ અને મેલેરિયાના ઉપદ્રવમાં જ નહિ પરંતુ એલર્જીની તકલીફોમાં પણ વધારો થવાની વકી છે. મોટેભાગે તો આપણે એલર્જીને ગણકારતા જ નથી અને તેના પ્રત્યે ધ્યાન પણ જતું નથી. પરંતુ આ વખતે તેમાં વધારો જાેવા મળશે. શહેરના એલર્જી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વરસના અન્ય દિવસોની તુલનાએ ચોમાસામાં એલર્જીમાં રપ ટકાનો વધારો થશે.
ડોકટરોના જણાવ્યા પ્રમાણે શ્વસન માર્ગ અને ત્વચાના ચેપ સંબંધિત એલર્જીમાં વધારો થવાનો આરંભ થઈ ગયો છે. ચોમાસાના આગમન સાથે જ ભેજનું પ્રમાણ વધી જતાં અને વાતાવરણ વાદળિયું રહેતા એલર્જી થાય છે. તેજ પ્રમાણે ઘરમાં રહેલી ડસ્ટમાઈટસ અને મોલ્ડ (ભીની વસ્તુ પર થતી ફૂગ)ને કારણે રાઈનાટીઝ જેવી એલર્જી થાય છે. વળી દમના રોગીને ફલુ થયો હોય તો તેમની સ્થિતિ ગંભીર બને છે. કારણ કે ફલુને કારણે એલર્જી અને અસ્થમાની તકલીફ વકરે છે.
વાતાવરણમાં આવતા અચોકકસ બદલાવને કારણે એલર્જીના કેસમાં વધારો થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદના ઠેકાણાં નથી. તાપમાનમાં વધ-ઘટ થવાને કારણે પણ એલર્જીની તકલીફ વધે છે. જાે વરસાદ એકધારો વરસશે તો વાંધો નહીં આવે. પરંતુ જાે ગત વર્ષની જેમ થોડો વરસાદ આવીને રહી જશે અને બફારાનું પ્રમાણ એકદમ વધી જશે તો સ્થિતિ વધુ ખરાબ થશે. આ પ્રકારના વાતાવરણને કારણે શરીરની કુદરતી સમતુલા જળવાતી નથી એવું ડોકટરો જણાવે છે.
એવું નથી કે માત્ર પર્યાવરણને કારણે જ એલર્જી થાય છે. પીડાનાશક એન્ટિબાયોટિક કે ડાયેરિયાની ગોળીઓ લીધા બાદ પણ યુર્ટિકારિયા (શીળસ) જેવી એલર્જી થાય છે. યુર્ટિકારિયામાં શરીર પર નાની નાની ફોડલીઓ થાય છે. હોઠ સોજી જાય છે અને હાથ પર ખૂબ ખંજવાળ આવે છે. ચોમાસામાં ટામેટા, સી ફૂડ, સૂકોમેવો અને કૃત્રિમ રંગ ધરાવતા ખાદ્ય પદાર્થ લેવાને કારણે યુર્ટિકારિયા થવાનું જાેખમ વધે છે.
શહેરના એક અગ્રણી ડર્મેટોલોજીસ્ટ જણાવે છે કે યુર્ટિકારિયાની એલર્જીનું શમન થતા થોડા સપ્તાહ લાગે છે. જાેકે કેટલાક ગંભીર કિસ્સામાં દર્દીને ઈન્ટ્રાવિનસ ડ્રગ્સ અને એન્ટિ-એલર્જીક દવાઓ આપવામાં આવે છે. ચોમાસામાં એક દિવ્સમાં યુર્ટિકારિયાના પાંચથી દસ કેસ આવતા હોવાનું તેમણે કહ્યું હતું.
ચોમાસામાં યુર્ટિકારિયા ઉપરાંત ફંગલ ઈન્ફેકશન (શરીર પર થતી લાલ રંગની ઝીણી ઝીણી ફોડલીઓ) અને કેન્ડિડાએસીસ જે યીસ્ટ બ્રેડ ઈન્ફેકશન તરીકે પણ ઓળખાય છે, તેમાં વધારો થાય છે ભેજવાળા વાતાવરણમાં ફંગલની વૃધ્ધિ થાય છે. આથી મે થી સપ્ટેમ્બર મહિના દરમિયાન ત્વચા રોગનું પ્રમાણ વધી જાય છે.
આપણા શરીર પર ફંગલ હોય છે પરંતુ ચોમાસામાં તેને પ્રસરવાની તક મળે છે કારણ કે હવા ભેજવાળી હોય છે અને લોકો ભીના કપડાં પહેરી રાખે છે. ભેજને લીધે બગલ, સાથળ કે સ્તનની નીચે યીસ્ટ ઈન્ફેકશન થાય છે. અસરગ્રસ્ત જગ્યાએ સખત ખંજવાળ આવે છે અને ત્યાંની ત્વચાનો રંગ સફેદ થઈ જાય છે.
ડાયાબિટીઝના દર્દીએ તે ત્વચાના ચેપથી ખુબ જ સાવધ રહેવું જાેઈએ એવી સલાહ ડર્મેટોલોજીસ્ટ આપે છે. ચોમાસામાં ગંદા પાણીમાં ચાલ્યા બાદ બુટ-ચંપલને લીધે લાંબા સમય સુધી પગ ભીના રહે ત્યારે પગમાં જે બેકટેરિયલ ફંગલ ઈન્ફેકશન થાય છે તે એથ્લેટ્સ ફૂટ કહેવાય છે.
એથ્લેટ્સ ફૂટના ગંભીર કેસમાં ત્વચા સફેદ અથવા લીલાશ પડતી થઈ જાય છે, ખંજવાળ આવે છે અને પસ થાય તો તે જગ્યાએથી દુર્ગંધ આવે છે. ડસ્ટમાઈટસ દ્વારા ખસ (સ્કેબીઝ)ની તકલીફ પણ ચોમાસામાં થાય છે. આમાં વ્યક્તિને આખા શરીર પર ખંજવાળ આવ ેછે. સાથળ પાસે તો તકલીફ એકદમ વધી જાય છે. અને રાતના સમયે ખંજવાળમાં ખૂબ વધારો થાય છે.