વરસાદને કારણે ચામડીના રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે
(એજન્સી)અમદાવાદ, ચોમાસાની ઋતુમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદના પગલે ચામડીના રોગમાં જોરદાર વધારે જોવા મળી રહ્યો છે. ચોમાસામાં ચામડીના રોગો થવાની સંભાવના વધુ હોય છે. આ સિઝનમાં અનિયમિત આહાર અને ઓછું પીવાના કારણે લોકોને એન્ટી ફંગલ ઈન્ફેકશન થવાનું પ્રમાણ વધુ રહે છે. ચોમાસાની ઋતુમાં લોકોમાં એવી માન્યતા છે કે આ સિઝનમાં ઓછું પાણી પીઓ તો ચાલશે પરંતુ આ તદ્દન ખોટી માન્યતા છે.
ચોમાસાની ઋતુમાં પણ જે તે વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં જ પાણી પીવું જોઈએ. ચોમાસાની ઋતુમાં ઓછું પાણી પીવાથી પેટ-ત્વચા સહિત વિવિધ ફંગલ ઈન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે જેથી ચોમાસાની ઋતુમાં પણ વધુ પાણી પીવું જોઈએ.
ચોમાસામાં થતાં ચામડીના રોગોમાં માથામાં ફોલ્લીઓ થવી, ખંજવાળ આવવી, લાલ ચાઠાં પડવા અને વાળ ખરવા વગેરેનો સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન માથામાં ભેજ રહેવાથી વાળમાં આ બધી તકલીફો થાય છે. શરીર પર પણ ચોમાસામાં ઝીણી પાકેલી ફોલ્લીઓ થાય છે.
જે સિન્થેટિક અને ટાઈટ કપડા પહેરવાથી વધે છે. ચોમાસામાં હવામાન ભેજવાળુ અને ઉકળાટભર્યું હોય છે, જેના કારણે કપડામાં પણ ભેજ રહી જતો હોય છે. જે સ્કીન ઈન્ફેકશન વધારી શકે છે. દાદર ભેજ અને ઉષ્મા લીધે વધે છે.
હાલમાં જોવા મળી રહેલો બીજા ખૂબ જ સામાન્ય રોગ એટલે ભીના બુટ-મોજાં કે સતત પાણીમાં પગ રહેવાથી પગના આંગળા વચ્ચે અને નીચેની ચામડી સફેદ થાય, ચીરા પડે અને ગંધ આવે. કયારેક ચીરા ખૂબ જ ઉંડા થઈ તેમાંથી લોહી પણ નીકળે જેને એથ્લીટ્સ ફૂટ કહેવાય. ચામડીના દરેક કોલ્ડમાં પણ આ સિઝનમાં વધારે ઈન્ફેકશન જોવા મળે છે
જેમ કે સ્ત્રીઓને છાતી નીચેના ભાગ-બગલમાં સતત મીઠી ખંજવાળ અને બળતરા થવી તથા જે લોકો વ્યવાસયિક કામ કરતાં હોય તેમના હાથમાં હંમેશા પાણીમાં વારંવાર ભીના થતા હોય તેમને પણ હાથના આંગળા વચ્ચે આવું થાય છે. ભેજવાડી ચામડી જ્યારે સૂકાઈ ત્યારે ખંજવાળ ચાલુ થાય. કેટલાક લોકો ઘર કે ઓફિસમાં એસી ફૂલ રાખીને સખ્ત ઠંડા વાતાવરણમાં રહે છે,
જેનાથી શરીરમાંથી પણ ભેજ સૂકાઈ અને ચામડી સૂકી લુખ્ખી અને ખંજવાળવાળી થાય છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં ચાલવાથી, વરસાદી પાણીમાં ધોવાયેલા ફળો અને શાકભાજીને કાચા કે હાથ ધોયા વિના ખાવાથી પણ કેટલાક પ્રકારના ચામડીના રોગ થાય છે. ચોમાસું આવતા જ ખરજવું વકરે છે. તે એક પ્રકારની એલર્જી છે જે ભેજનું પ્રમાણ વધવાથી વધી શકે. એમાં ખંજવાળવાથી ઉપરની ચામડીને નુકસાન થાય છે.