સંસદના બંને ગૃહમાં રાહુલ ગાંધીની સામે નારેબાજી
નવી દિલ્હી, જ્યારથી કેમ્બ્રિજમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું છે ત્યારથી ભારતમાં તેમને લઈને હોબાળો સર્જાઈ રહ્યો છે. આ દરમિયાન સમગ્ર ભાજપ તેમની પાસે દેશની માફી માગવા માગ કરી રહ્યું છે. જ્યારે તેમને લઈને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પણ ભારે હોબાળાની સ્થિતિ યથાવત્ છે. તાજેતરના અહેવાલ અનુસાર બંને ગૃહોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી થતા સંસદની કાર્યવાહી આગામી ૨૦ માર્ચ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી.
હોબાળાને લીધે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સવારના ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે. લોકસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ સતત નારેબાજી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા. ભાજપ વતી તેમની વિરુદ્ધ રાહુલ ગાંધી શેમ શેમની નારેબાજી કરવામાં આવી હતી. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપ પોતે રાષ્ટ્રવિરોધી છે અને તેઓ બીજાને રાષ્ટ્રવિરોધી કહી રહ્યા છે કારણ કે તેમની પાસે કોઈ મુદ્દો નથી. તેઓ અદાણી, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને છુપાવવા માટે આવી વાતો કરે છે. શું રાહુલ ગાંધી ક્યારેય રાષ્ટ્ર વિરોધી હોઈ શકે છે? SS2.PG