Western Times News

Gujarati News

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મંદી: સિમેન્ટ પરિવહનમાં ઘટાડો થતાં ઉદ્યોગને ફટકો પડ્યો

Files Photo

લિગ્નાઈટની માઈન્સમાંથી ક્વોટા ઘટાડી નાખવામાં આવતાં પરિવહન ઓછું થઈ ગયું છે તો બીજી તરફ સિમેન્ટનું પરિવહન રેલવે મારફતે થઈ રહ્યું છે

કચ્છ,  કચ્છનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલના સમયમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કચ્છમાં ખેતી પછીના બીજા નંબરે આવતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુખ્યત્વે લિગ્નાઈટ અને સિમેન્ટ પરિવહન ઉપર આધાર રાખે છે. હાલમાં લિગ્નાઈટ અને સિમેન્ટ પરિવહનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે ફ્ટકો પડયો હોવાનું સામે આવ્યું છે.

કચ્છ જિલ્લાનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. કારણ કે, લિગ્નાઈટની માઈન્સમાંથી ક્વોટા ઘટાડી નાખવામાં આવતાં પરિવહન ઓછું થઈ ગયું છે તો બીજી તરફ સિમેન્ટનું પરિવહન રેલવે મારફતે થઈ રહ્યું છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક ફટકો પડયો છે. લિગ્નાઈટ ક્વોટામાં સારા એવા પ્રમાણમાં ઘટાડો થવાના કારણે ટ્રક માલિકો બેકાર બન્યા છે.

અગાઉ જિલ્લામાં દરરોજની ૧૦૦૦ જેટલા લિગ્નાઈટના ક્વોટા ફાળવવામાં આવતા હતા, જેની સામે હાલના સમયે માત્ર ૧૦૦ જેટલી લિગ્નાઈટની ટ્રકો પરિવહન કરી રહી છે. જેના કારણે હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે. એક સમયે ધમધમતો અને લાખો લોકોને રોજગારી પુરી પાડતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલે પડી ભાગ્યો છે. મંદીના કારણે હજારો ટ્રકો પાર્કિગમાં મુકવાની ટ્રક માલિકોને ફરજ પડી છે.

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા જીએમડીસીને લિગ્નાઈટ ક્વોટા વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. કારણ કે, કચ્છમાં લિગ્નાઈટ અને સિમેન્ટનું પરિવહન વધે તો કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ફ્રીવાર ધમધમતો થઈ શકે તેમ છે, અન્યથા ટ્રક માલિકોની પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળશે.

કચ્છમાં હાલે લીગ્નાઇટ અને સિમેન્ટ પરિવહન માટે કુલ ૫૦૦૦ જેટલા ટ્રક માલિકો જોડાયેલા છે, પરંતુ જે રીતે લીગ્નાઇટ સહિતના ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે મહત્તમ ટ્રક માલિકો હાલે બેકાર બની ગયા છે. એક ટ્રક સાથે ડ્રાઇવર, કલિનર મળી કુલ ૧૦,૦૦૦ જેટલા લોકોનો પરિવાર આ ટ્રાન્સપોર્ટનાં ધંધા ઉપર નભી રહ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે જ ટ્રક માલિકોને ડ્રાઇવર, કલિનરના પગારો ચૂકવવાનું પણ ભારણ છે. કારણ કે, પગાર જ પરિવારજનોના ભરણપોષણ કરવા માટેનો મુખ્ય આધાર છે.

લીગ્નાઇટ અને સિમેન્ટનાં પરિવહનને સંલગ્ન પેટ્રોલ પંપ, ટાયર પંક્ચર કરતાં લોકો, ઢાબા સહિતનાં ધંધાર્થીઓને પણ ટ્રકોનાં પૈડા થંભી જવાને કારણે સારા એવા પ્રમાણમાં અસર થઇ છે. જ્યાં સુધી લીગ્નાઇટ પરિવહન પૂર્વવત નહીં થાય ત્યાં સુધી ટ્રક માલિકોની સાથે સાથે સંલગ્ન ધંધાર્થીઓનાં પણ શ્વાસ અદ્ધર રહેશે, તો ઘણા ખરા ટ્રક માલિકો ટ્રકનાં મળતાં ભાડામાંથી જ તેમના લોનના હપ્તાઓ ચુકવતાં હોય છે. છેલ્લા એક માસથી ક્વોટા ઘટાડવાને કારણે આ ટ્રક માલિકોને લોન ભરવા માટેના પણ સાંસા પડે તો નવાઇ નહીં.

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનનાં પ્રમુખ ડો. નવઘણ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ મહિનાથી માતાના મઢ અને ઉમરસર માઇન્સમાં લીગ્નાઇટનાં ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે માતાનાં મઢમાં ૩ લાખ ટન લીગ્નાઈટ ઉપાડવાનો ક્વોટો ફાળવામાં આવતો હતો,

તેની જગ્યાએ હાલે આ માઇન્સમાંથી ૨ લાખ ટન લીગ્નાઇટનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. જ્યારે ઉમરસર માઇન્સમાં પણ ૪૦ ટકા જેટલા ક્વોટામાં કાપ મુકવામાં આવ્યો છે. આ સંદર્ભે એસોસિએશન તરફથી જીએમડીસીના એમડીને ક્વોટા પૂર્વવત કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.