અમદાવાદ મ્યુનિસિપલ તંત્રનો સ્માર્ટ ભ્રષ્ટાચાર એટલે આઇકોનીક રોડ
કોંગ્રેસ પ્રજાના રૂપિયા વેડફાઈ નહિ તે માટે આઇકોનીક રોડનો વિરોધ કરશે : શહેઝાદખાન
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નગરજનોને સારા રોડ રસ્તાની સુવિધા મળી રહે તેવા ઉદ્દેશથી નવા રોડ બનાવવા, જુના રોડ રીસરફેસ કરવા તથા પેચર્વકના કામો માટે દર વર્ષે રૂા. ૧૦૦૦ કરોડના રોડના કામો માટે ખર્ચ કરવામાં આવે છે.
તેમ છતાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં મોટા ભાગના રોડ તુટી જાય છે જે કડવી અને નરી વાસ્તવિકતા છે. સત્તાધારી ભાજપ દ્વારા અગાઉ બનાવેલ મોડેલ રોડ, ત્યારબાદ વ્હાઇટ ટોપિંગ રોડ અને હવે આઇકોનિક રોડના નામે ભષ્ટ્રાચાર આચરવા માટેનો નવો માર્ગ ખુલ્લો કર્યો હોવાના આક્ષેપ કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે વિકાસની વાતો કરતા મ્યુનિસિપલ સત્તાધીશો છેલ્લા બે દાયકામાં ડામરનો સારો અને ટકાઉ રોડ બનાવી શક્યા નથી. સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઇ જાય છે અને દર વરસે સામાન્ય વરસાદમાં જ રોડ-રસ્તા નો મેક-અપ ઉતરી જાય છે.છેલ્લા દસ વર્ષમાં જ રોડ પર હજારોની સંખ્યામાં ખાડાઓ અને સેંકડોની સંખ્યામાં ભુવાઓ પડયાં છે.
જેમાં પ્રજાના ટેક્ષના નાણાં વેડફાય છે. તેમ છતાં મોડેલ રોડ પાછળ રૂા.૩૦૦ કરોડ, વ્હાઈટ ટોપિંગ રોડ પાછળ રૂા.૨૫૦ કરોડ જેવા અખતરાં કર્યા બાદ પણ રોડ-રસ્તા તેમજ વરસાદી પાણી ભરાવવાની પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે.
તંત્રએ રોડ પાછળ ખર્ચેલા પ્રજાના નાણાં ભષ્ટાચારી વહીવટને કારણે વેડફાઇ ગયાં છે તે સ્પષ્ટ બાબત છે તેમ છતાં સત્તાધારી ભાજપના સત્તાધીશો હવે આઇકોનીક રોડ ના નામે રૂા.૪૦૫ કરોડનું કામ મંજુર કરવા થનગની રહ્યા છે.આ અંગે નિર્ણય કરતા પહેલા સત્તાધારી ભાજપે મોડેલ રોડ તથા અન્ય રોડના કામોની સમીક્ષા કરવી જોઈએ.
નવા રોડ માટે કરોડો રૂા.નો ખર્ચ કર્યા બાદ પણ તે શા માટે તૂટે છે. તેની તપાસ કરવી જોઈએ અને રોડ ટકાઉ અને સારા બને તે બાબતનું પુરતું ધ્યાન રાખવામાં આવે ત્યારબાદ આવા અખતરા કરવા જોઈએ અન્યથા આ કામ બાબતે કોંગ્રેસ પક્ષનો સખ્ત વિરોધ છે.