SMCનો સપાટોઃ રખિયાલમાંથી ૨૨ લાખની કિંમતનો ૧૮,૯૫૯ બોટલ દારૂનો જથ્થો જપ્ત
અમદાવાદ, ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ ઉર્ફે કેમિકલકાંડ બાદ પણ બુટલેગર સુધરવાનું નામ નથી લેતા અને બિનધાસ્ત પોલીસના ડર વગર લાખો રૂપિયાનો દારૂ અમદાવાદમાં ઉતારી રહ્યા છે. કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીની રહેમનજર હેઠળ બુટલેગર બેફામ બન્યા છે.
જેના કારણે ઠેરઠેર જાેઈએ તો બ્રાન્ડનો દારૂ વેચાવા લાગ્યો છે. એક તરફ ભ્રષ્ટ પોલીસ કર્મચારીની ફોજ દારૂનો ધંધો કરવા માટે બુટલેગર્સને પરમિશન આપી રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા જાંબાજ પોલીસ કર્મચારી બુટલેગર્સની આશા પર પાણી ફેરવી રહ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી રાતે રખિયાલ વિસ્તારમાંથી ૨૨ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના ટોચના બુટલેગર્સ જેલમાં હોવાના કારણે દારૂના ધંધામાં પોતાની સલ્તનત જમાવનાર બંસી વધુ એક વખત ‘રઈસ’ બનવા નીકળ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે બુટલેગર્સ બંસીએ રાજસ્થાનના સુનીલ દરજી સહિતના ઠેકેદારો પાસેથી લાખો રૂપિયાનો દારૂ મગાવ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રખિયાલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી ત્યારે એક આઈશરે ત્યાંથી પસાર થઈ હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આઈશરને કોર્ડન કરીને ચેક કરતાં તેમાથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંજાબના ડ્રાઈવર ગુરદીપસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૧૮૯૫૯ બોટલ દારૂ અને બિયરનાં ટીનનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે આઠ કરતાં વધુ બુટલેગર્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે વિનોદ સિંધી, સુનીલ ઉર્ફે અડો કેવલરામાણી, ભવરલાલ દરજી, લક્ષ્મણ રબારી, ગણપત ચારણ, હેપી, દેવેન્દ્ર ઉર્ફે બંસી પરિહાર સહિત આઠથી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સુનીલ, લક્ષ્મણ, ગણપત, હેપી રાજસ્થાનથી દારૂ ગુજરાતમાં મોકલાવે છે જ્યાં તેમનું સેંટિગ રાજસ્થાન પોલીસે સાથે છે જ્યારે વિનોદ સિંધી વિદેશમાં હોવા છતાંય તમામ આરોપીનો બોસ થઈને ગુજરાતમાં દારૂનો ધંધો કરે છે. ઉલ્લેખનીય છે કે વિનોદ સિંધી વિદેશમાં બેસીને ગુજરાતમાં દારૂના ધંધાને ઓપરેટ કરી રહ્યો છે.