SMC રેઈડઃ મેઘાણીનગરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા ટપોટપ બંધ થઈ ગયા
એસએમસીએ ત્રણ યુવકની દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી-મેઘાણીનગરમાં SMCએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરતાં અફરાતફરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દરોડા પાડી રહી છે ત્યારે ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે મેઘાણીનગરમાં ચાલતા દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. એસએમસીએ મેઘાણીનગરના રામેશ્વર પાર્કના નવદુર્ગા પાર્કના છાપરામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન SMCએ ર૭૬ લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે. જ્યારે અડ્ડા પર નોકરી કરતાં ત્રણ યુવકની ધરપકડ કરી છે. એસએમસીએ રેડ કરતાંની સાથે જ અડ્ડા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એસએમસીની ટીમે મેઘાણીનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર પાર્કમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડયો છે. એસએમસીને બાતમી મળી હતી કે નવદુર્ગા પાર્કના છાપરામાં દારૂનો અડ્ડો ધમધી રહ્યો છે.
બાતમીના આધારે એસએમસીની ટીમે રેડ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને નવદુર્ગા પાર્કના છાપરામાં ત્રાટકી હતી. રેડ દરમિયાન એસએમસીએ ર૭૬ લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે. એસએમસીએ અજય કનોજિયા, કિરીટ છારા તેમજ ભરત નાળિયાની ધરપકડ કરી છે. એસએમસીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અજય કનોજિયા, કિરીટ છારા, ભરત નાળિયા, રાજુ ક્રિશ્ચિયન સહિત છ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
એસએમસીએ ઘટના સ્થળેથી એક ટુ વ્હીલર પણ જપ્ત કર્યું છે જેમાં માલની હેરફેર થતી હતી. રામેશ્વર પાર્કમાં આવેલા નવદુર્ગા પાર્કના છાપરામાં રાજુ ક્રિશ્ચિયન દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યો હતો જ્યારે તેણે અજય કનોજિયા, કિરીટ છારા અને ભરત નાળિયાને નોકરી ઉપર રાખ્યા હતા. એસએમસીએ દરોડા પાડતાંની સાથે જ મેઘાણીનગરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા ટપોટપ બંધ થઈ ગયા હતા જ્યારે સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી હતી.