અમદાવાદના નવરંગપુરામાં ધોળા દિવસે તસ્કરો ૯.૨૫ લાખના દાગીના ચોરી ગયા
અમદાવાદ, ભાટ ખાતેના સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટરના નવરંગપુરા ખાતેના ફ્લેટનું તાળું તોડીને તસ્કરો ધોળા દિવસે ૯.૨૫ લાખના દાગીના ચોરી ગયા હતા. જે અંગે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ડાયરેક્ટર ઓફિસે ગયા અને તેમના પત્ની જ્વેલર્સમાં ગયા હતા ત્યારે માત્ર ચાર જ કલાકમાં તસ્કરો હાથફેરો કરી ગયા હતા.
નવરંગપુરા સ્થિત ઇશ્વરભુવન ખાતેના સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઇ વન્ડરા ભાટની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની પત્ની નિમેષાબેને નવંગપુરામાં ફરિયાદ નોંધાવી છે કે મંગળવારે તેમના પતિ ઓફિસે ગયા હતા.
ત્યારબાદ લગભગ અઢી વાગ્યના સુમારે તેઓ ઘરને તાળું મારીને એક્ટિવા પર સેટેલાઇટ ખાતેના ઇન્દ્રીયા જ્વેલર્સ પર ગયા હતા. જ્યાં પોતાનું કામ પૂરું કરીને લગભગ સાડા છ વાગ્યે તેઓ ઘરે પહોંચ્યા હતા. ત્યારે તેમના પતિ પણ ઓફિસેથી આવી ગયા હતા.
નિમેષાબેન સીડી ચઢીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમના ફલેટને મારેલું તાળું સીડીમાંથી મળ્યું હતું. તરત જ તેમણે ફ્લેટ પર જઇને જોતાં તાળું અને નકુચો તૂટેલા હતા. ઘરનું ઇન્ટરલોક પણ તૂટેલું હતું.
જેથી તેમણે ઘરમાં જઇને તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ ૯.૨૫ લાખનો મુદ્દામાલ ગુમ હતો. જે અંગે તેમણે નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઇએ વધુ તપાસ આદરી છે. નવરંગપુરામાં ધોળા દિવસે ચોરીની ઘટનાથી સલામત ગણાતા નવરંગપુરાની સલામતી અંગે સવાલ ઊભા થઇ રહ્યા છે.SS1MS