લેબર કોન્ટ્રાક્ટરના એક્ટિવાની ડેકીનું લોક તોડીને તસ્કરો રોકડા ૨૦ લાખ ઉઠાવી ગયા

પ્રતિકાત્મક
અમદાવાદ, બોપલમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટરનું ચાંદખેડા જગતપુર ખાતેની સોલિટ્યુડ નામની સાઇટ પર તથા દેવઓરમ ગાર્ડન નામની સાઇટ પર કામ ચાલે છે. બે સાઇટ પરથી તેમણે બિલ્ડર પાસેથી મજૂરોને પગાર આપવા માટેના રૂ. ૨૦ લાખ રોકડા લીધા હતા.
જે રોકડા લઇને તે માનસરોવર રોડ પરની સ્કાયલિફ નામની સાઇટ પર ગયા હતા. આ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકીને તે કામે ગયા હતા. જ્યાંથી પરત આવીને તપાસ કરતા તેમના એક્ટિવાની ડેકીનું લોક તુટેલુ હતું. ડેકીમાં મૂકેલા ૨૦ લાખ ચોરી થતાં આ મામલે પોલીસને જાણ કરાતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોપલમાં આવેલા પ્રાગ્ટય રેસિડેન્સીમાં રહેતા જયસુખભાઇ વઘાસિયા વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. છેલ્લાં ઘણા સમયથી જગતપુરમાં આવેલી સોલિટ્યુડ અને ચાંદખેડાની દેવઓરમ ગાર્ડન નામની સાઇટ પર તેમનું કામ ચાલે છે.
જયસુખભાઇને મજૂરોને નાણાં ચૂકવવાના હોવાથી તે તા.૮ માર્ચે સોલિટ્યુડ સાઇટના બિલ્ડર દેવર્ષભાઇ પાસે ગયા હતા અને પાંચ લાખ લીધા હતા. બાદમાં દેવઓરમ ગાર્ડનના બિલ્ડરના ધ્›વભાઇ પાસેથી ૧૫ લાખ લઇને નીકળ્યા હતા.
જયસુખભાઇએ આ ૨૦ લાખ એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા. બાદમાં સાંજે માનસરોવર રોડ પર આવેલી સ્કાયલિફ નામની સાઇટ પર ગયા હતા. જ્યાંથી એક જમણવાર પતાવીને પરત આવ્યા ત્યારે કેટલાક મિત્રો મળ્યા હતા. જેથી જયસુખભાઇ મિત્રોને મળવા રોકાઇ ગયા હતા.
બાદમાં તે ઘરે જવા નીકળ્યા અને ત્યારે જોયું તો એક્ટિવાની ડેકી ખુલી હતી. જે બંધ કરીને ઘરે આવ્યા અને જોયું તો ડેકીમાંથી ૨૦ લાખ રોકડા ગાયબ હતા. જેથી આ મામલે તેમણે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.SS1MS