વડોદરાના લતીપુરામાં બેન્ક શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી તસ્કરીનો પ્રયાસ
વડોદરા, વડોદરા જિલ્લાના લતીપુરા ગામે આવેલી યુનિયન બેન્કમાં અજાણ્યા ઈસમ દ્વારા બેંકના મુખ્ય દરવાજાનું શટર તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. તસ્કરો બેન્કના સ્ટ્રોંગરૂમ સુધી પહોંચી ગયા હતા.
બેંકના મેનેજર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ધીરેન્દ્રકુમાર દુઃખમોચન ઝા કે જે હાલ યુનિયન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બેંકમાં ડેપ્યુટી બ્રાંચ મેનેજર તરીકે ભાવેશભાઈ નટુભાઈ મહેતા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
કેશિયરમાં જગદીશભાઈ મગનભાઈ સોલંકી તરીકે નોકરી કરે છે. યુનિયન બેંકનો સમય સવારે ૯.૪પ વાગ્યેથી ૬.૩૦ વાગ્યા સુધીનો છે. બેંકમાં પટાવાળા તરીકે પ્રદિપભાઈ ખુમાનભાઈ રાઠવાનાઓ છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરે છે તેઓ સવારના નવ વાગ્યે બેંક પર આવે છે. આ પ્રદિપભાઈ ખુમાનભાઈ રાઠવા બેંકની સામે આવેલા શ્રી સર્વોદય વિદ્યાલયમાં આવેલા કવાર્ટરમાં રહે છે.
ગત તા.૧લી મેના રોજ સવારમાં બેંકના તમામ સ્ટાફ પોત પોતાની નોકરી પર આવી ગયા હતા. દિવસ દરમિયાન પોત પોતાનું કામ કરી સાંજના સાડા છ વાગ્યાની આસપાસ તમામ સ્ટાફ ઘરે જવા રવાના થયો હતો. પટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રદિપભાઈએ બેંકનું શટર બંધ કરીને તેઓ પણ તેઓના ઘરે જતા રહ્યા હતા.
બીજા દિવસે ર જી મેના રોજ પ્રદિપભાઈનો ફોન આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, યુનિયન બેંકનું શટર અને તાળું તૂટેલું છે અને શટર અડધું ઉચું છે. અંદરની જાળીનું લોક પણ તૂટેલું છે જેથી બેંક પહોંચ્યો ત્યારે બેંકના ભાવેશભાઈ, જગદીશભાઈ અને પટાવાળા પ્રદિપભાઈ હાજર હતા.
બેંક લોકરરૂમ સહિત બધુ તપાસ કરતા બેંકમાંથી કોઈ દાગીના કે રોકડ રકમની ચોરી ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું હતું. ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.