Western Times News

Gujarati News

કચ્છના મુંદ્રામાં ફરી પાછી સોપારીની દાણચોરી પકડાઈ

મૂળ તો શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોમાં સોપારી થાય છે, પરંતુ દુબઈથી સોપારી લઈ આવીને તંત્રને છેતરવા માટે દર વખતે નવી-નવી મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે

કચ્છ, કચ્છના મુંદ્રામાં ફરી પાછી સોપારીની દાણચોરી પકડાઈ છે. આ વખતે પણ ત્રણ કરોડની સોપારી પકડાઈ છે. આ કન્ટેનરને બિલ મુજબ પીવીસી રેઝિનનું કન્ટેનર જાહેર કરવામાં આવ્યું હતું. તેનું વજન લગભગ ૫૩ ટન છે.

મુંદ્રા કસ્ટમ્સની એસઆઈઆઇબી શાખાને મળતી માહિતીના આધારે મુંદ્રા કસ્ટમ્સના પ્રિન્સિપાલ કમિશ્નર કે. એન્જિનીયરની સૂચનાથી કસ્ટમ્સે કરેલી તપાસમાં બે મોટા ૪૦ ફૂટ સાઇઝના કન્ટેનરમાં સંપૂર્ણપણે સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવતા સત્તાવાળાઓ ચોંકી ઉઠ્‌યા હતા.

આમ તેમને મળેલી બાતમી સાચી પુરવાર થઈ હતી.કસ્ટમ્સે પકડેલો જથ્થો દુબઈથી આવ્યો હતો. કંડલા કાસેઝ (કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં પીવીસી રેઝિન એટલે કે, પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા, પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ ૫૩ ટન વજનની સોપારી મળી આવી હતી.

આ સાથે જ ફરી એકવાર સોપારીની દાણચોરી હજુ કોઈ ડર વિના ચાલુ હોવાનું ફલિત થાય છે. જાણકાર સૂત્રો ઉમેરે છે કે, મૂળ તો શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોમાં સોપારી થાય છે, પરંતુ દુબઈથી સોપારી લઈ આવીને તંત્રને છેતરવા માટે દર વખતે નવી-નવી મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે.

આ વખતે પીવીસી રેઝિન દર્શાવાયા કે જેનો જથ્થો સામાન્ય રીતે મોટી કંપનીઓ દ્વારા નિયમિત રીતે અને મોટા જથ્થામાં આયાત થાય છે અને પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા આવતો આ જથ્થો લગભગ બરાબર જ હોવાનું પાસ થઈ જતું હોય છે અને તપાસ પણ ઓછી થતી હોય છે. હવે આવો જથ્થો દેખાડી તેની આડમાં સોપારી ઘૂસાડવાનો ફરી સિલસિલો શરૂ થયો હોવાનું મનાય છે.

સામાન્ય રીતે કાસેઝ જતી આઈટમ ટ્રાન્સશિપમેન્ટ ધોરણે નીકળી ત્યાં જ તપાસ થાય, પરંતુ મુંદરાની આ કસ્ટમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે કન્ટેનરોને રોકી નાખ્યા અને નજીકના હિન્દ ટર્મિનલ સીએફએસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ આ જથ્થો મળી આવ્યો હતો.

હજુ બે કન્ટેનર શંકાના દાયરામાં છે, ત્યારે તપાસ થશે, તો વધુ ધડાકો થાય અને આ કરચોરીનો આંક વધુ ઊંચો જાય એવી શક્યતા છે. આ સૂત્રો દાવો કરે છે કે, મુંદરામાંથી એસઆઈઆઈબીની છેલ્લા થોડા સમયમાં થયેલી ઉપરાઉપરી સારી કાર્યવાહી બાદ આ સોપારીના દાણચોરો ફરી પાછા કંડલા કાસેઝનો ઉપયોગ કરી લેતા હોય એવું લાગે છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.