અત્યાર સુધીમાં 300 જરૂરીયાતમંદ લોકોને સાયકલ અને 70 વિદ્યાર્થીઓને પુસ્તકો આપ્યા છે આ સેવાભાવી સંસ્થાએ
જૂના પુસ્તકો, સાયકલ એકત્ર કરીને વિધાર્થીઓ સુધી પહોચાડવાનો સેવાયજ્ઞ -અત્યાર સુધીમાં ૩૦૦ જરૂરીયાતમંદ લોકોને સાયકલને ૭૦ વિધાર્થીઓને પુસ્તકો અપાયા
અમદાવાદ, શાળાઓમાં પરીક્ષાઓનો માહોલ ચાલી રહયો છે. વેકેશન પછી વિધાર્થીઓ નવા ધોરણમાં પ્રવેશ મેળવશે. આ દરમ્યાન હજારો વાલીઓ જુના પુસ્તકો નજીવી કિંમતે પસ્તીમાં આપી દેશે ત્યારે નિકોલ વિસ્તારમાં સેવાભાવી સંસ્થા દ્વારા આવા જુના પુસ્તકો અને જુની સાયકલ એકત્ર કરીને તેનું યોગ્ય સમારકામ કરી જરૂરીયાતમંદ વિધાર્થીઓ સુધી પહોચાડવાની અનોખો સેવાયજ્ઞ ચાલી રહયો છે.
શાળાકીય અભ્યાસક્રમના પુસ્તકોની કિમત દિવસે દિવસે વધી રહી છે. પછી આવા મોઘાદાટ પુસ્તકો પસ્તીમાં આપી દેવામાં આવે છે. ત્યારે પહેલ ફાઉન્ડેશન દ્વારા બાપુનગરની નિકોલ સુધીના વિસ્તારમાં પસ્તીમાં જતા આવા જુના પુસ્તકો એકત્ર કરીને તેનું બાઈન્ડીગ કરીને જરૂરીયાતમંદ છાત્રો સુધી પહોચાડવાનો સેવાયજ્ઞ ત્રણ વર્ષથી ચલાવવામાં આવી રહયો છે.
અગાઉના ત્રણ વર્ષમાં આવી રીતે જુના પુસ્તકો એકત્ર કરીને ૭૦થી વધુ વિધાર્થીઓ સુધી પહોચાડયા છે. આવી રીતે જ પાર્કીગમાં પડી પડી ભંગારમાં ફેરવાઈ રહેલી જુની સાયકલ પણ એકત્ર કરીને સમારકામ કરીને ગરીબ વિધાર્થીઓને આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ વિધાર્થીઓને સાયકલ અપાઈ છે ત્યારે કોઈપણ ધોરણના પુસ્તકો આપીને સેવાયજ્ઞમાં જોડાવા માગતા કે પછી પુસ્તકોની જરૂર હોય તેવા લોકોને નિકોલના ગોપાલચોક સ્થિત પ્રતીક શોપીગ સેન્ટરમાં આવેલા બેબી જીયાણા હાઉસનો સંપર્ક સાધવા અનુરોધ કરાયા છે.
ભોજલરામ આશ્રમમાં આ સંસ્થાનાં ઉપક્રમે જ જુના કપડા એકત્ર કરીને વ્યવસ્થિત રીતે શોટીગ કરી આસપાસમાં ચાલતી બાંધકામ સાઈટ પર શ્રમીકો સુધી પહોચાડવાનું સેવાકાર્ય પણ ચાલી રહયું છે.