ગીત ગાઈને પ્રેમજીભાઈએ અત્યાર સુધીમાં 4200થી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા
“વ્યસને કેન્સરના બીજ વાવ્યા”: વ્યસનમુક્તિ માટે અનોખું અભિયાન ચલાવતા વ્યવસાયે ખેડૂત 58 વર્ષીય પ્રેમજીભાઈ હિહોરીયા
(માહિતી બ્યુરો, બોટાદ) “યુવાનોએ તંદુરસ્ત જીવન જીવવું હોય તો વ્યસનથી દૂર રહેવું જોઈએ.” છેલ્લા 11 વર્ષથી વ્યસનમુક્તિ માટે કાર્યરત ગઢડાના પ્રેમજીભાઈ અનોખું અભિયાન ચલાવી રહ્યા છે.
વ્યસન કરવાથી થતાં નુકસાન પર લખેલા ગીતને પ્રેમજીભાઈ ધાર્મિક-સામાજિક પ્રસંગોમાં ગાઈ છે અને લોકોને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. પ્રેમજીભાઈએ સીતારામ વ્યસન મુક્તિ અભિયાન થકી અત્યારસુધીમાં 4200થી વધુ લોકોને વ્યસનથી મુક્તિ અપાવી છે.
પોતાના આ અભિયાન વિશે પ્રેમજીભાઈ જણાવે છે કે, 11 વર્ષ અગાઉ હું જ્યારે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મારી સાથેના એક ભાઈ વ્યસન કરી રહ્યા હતા, ત્યારે મેં તેમને વ્યસન છોડવા અનુરોધ કર્યો હતો. તે ભાઈ ત્યારથી વ્યસનમુક્ત થઈને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. વ્યસન કરવાથી માત્ર એક વ્યક્તિ જ નથી પરંતુ તેના સમગ્ર પરિવારને માઠા પરિણામો ભોગવવાનો વારો આવે છે. મેં વ્યસનનો આંબો તૈયાર કર્યો છે અને વ્યસનથી નકારાત્મક અસરો વિશે ગીત તૈયાર કર્યુ છે, જે વ્યસન છોડવા માંગતા લોકોને સાચી પરિસ્થિતીનું ભાન કરાવે છે.”
મૂળ વ્યવસાયે ખેડૂત 58 વર્ષીય પ્રેમજીભાઈ હિહોરીયા માત્ર 4 ધોરણ સુધી ભણેલા છે. યુવાનોને સાચી રાહ ચીંધવા તેઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પ્રેમજીભાઈ વધુમાં જણાવે છે કે, “મારી સાથે માત્ર 25થી 30 મિનિટનો સત્સંગ કરીને 15થી 20 વર્ષથી વ્યસન કરતા લોકોએ પોતાનું વ્યસન છોડ્યું છે. વ્યસન એ પરિવારોને કંગાળી તરફ દોરી જાય છે અને નિર્વ્યસની માણસનો પરિવાર સમૃદ્ધ હોય છે.”
વ્યસનથી મુક્ત થવા ઈચ્છતો કોઈપણ વ્યક્તિ પ્રેમજીભાઈ હિહોરીયાને ફોન કરે ત્યારે બીજો કોઈ વિચાર કર્યા વગર તેઓ તેમની મદદે દોડી જાય છે. “ભજન,ભક્તિ સાથે વ્યસનમુક્તિ”ના સિદ્ધાંતને અનુસરતા પ્રેમજીભાઈ શાળા-કોલેજમાં કે અન્ય કોઈ કાર્યક્રમોના માધ્યમથી અનોખી રીતે લોકોને વ્યસનથી દૂર થવા પ્રેરે છે. આલેખન- હેમાલી ભટ્ટ