Western Times News

Gujarati News

સોશિયલ મીડિયાની આદત ચિંતા અને હતાશા માટે કારણભૂત

social media addiction

પ્રતિકાત્મક

સોશિયલ મીડિયાનો લાંબા સમય સુધી ઉપયોગ એકલતા તરફ દોરી જાય છે અને યુવાનોનો આત્મવિશ્વાસ ઘટે છે, જે ચિંતા અને હતાશામાં પરિણમે છે

સોશિયલ મીડિયા ઉપર સાયબર બુલિંગ અને ટ્રોલિંગથી બાળકના માનસિક સ્વાસ્થ્યને નુકશાન થાય છે

અમદાવાદ, છેલ્લાં કેટલાંક વર્ષોથી તમામ વયજૂથના લોકોમાં સોશિયલ મીડિયાની આદત વધી રહી છે ત્યારે મનોવૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ખાસ કરીને યુવાનોમાં ચિંતા અને હતાશા જેવી માનસિક આરોગ્ય સંબંધિત બિમારીઓનું એક કારણ સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ છે.

જાણકારોનું માનવું છે કે લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી યુવાનોને એકલતા અનુભવાય છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટે છે, જે આખરે ચિંતા અને હતાશા તરફ દોરી જાય છે.

વર્લ્ડ સોશિયલ મીડિયા ડે નિમિત્તે અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના ચીફ સાઇકોલોજીસ્ટ પૂજા પુષ્કર્ણાએ કહ્યું હતું કે, “માત્ર યુવાનો જ નહીં, પરંતુ પુખ્તવયના લોકોમાં પણ સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યો છે. મારી પ્રેક્ટટિસમાં મેં 15-45 વર્ષના વયજૂથના લોકોમાં સોશિયલ મીડિયાની આદતના કેસ જોયા છે. સોશિયલ મીડિયાને કારણે વ્યક્તિની ઉંઘ ઘટી જાય છે.

સોશિયલ મીડિયાના વધુ પડતાં ઉપયોગથી વ્યક્તિને ઉંઘ આવવામાં વિલંબ થાય છે તથા કામના સ્થળે પુખ્તવયના લોકોનું પર્ફોર્મન્સ પણ નબળું પડે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “સોશિયલ મીડિયા ઉપર લાઇક અને વ્યૂની સંખ્યાની સીધી અસર વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ ઉપર થાય છે. વધુ લાઇક અથવા વ્યૂ વ્યક્તિના મૂડ ઉપર સીધી અસર કરે છે. બાળકો અને યુવાનો સોશિયલ મીડિયા ઉપર તેમની લાઇક અને બીજા પાસાઓને અન્યો સાથે તુલના કરતાં થઇ જાય છે. તેના પરિણામે એકલતા અને લોકો પસંદ ન કરતા હોવાનો ડર પેદા થાય છે.”

આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર સાયબર બુલિંગથી પણ બાળકોના માનસિક આરોગ્ય ઉપર ગંભીર અસરો પેદા થાય છે. કેટલાંક કેસમાં ઓનલાઇન બુલિંગથી ભય અને ચિંતા વધે છે તથા ઘણીવાર ટીનએજર્સ આત્મહત્યા તરફ પણ દોરાઇ જાય છે, તેમ કેટલાંક મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે.

જે બાળકોનું બુલિંગ અને ટ્રોલિંગ થાય છે તેમને ઇમેજ અને પ્રતિષ્ઠાની ચિંતા થવાની સાથે-સાથે માતા-પિતાનો સામનો કેવી રીતે કરવો તેની પણ ચિંતા થાય છે, જેના કારણે તેઓ અંતિમ પગલું ભરે છે.

પૂજા પુષ્કર્ણાના મત અનુસાર સોશિયલ મીડિયાને કારણે એકબીજા સાથેની વાતચીતમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ઓનલાઇન વિશ્વમાં વ્યક્તિ કમેન્ટ અથવા બટન ક્લિક કરીને તેમના અણગમાને વ્યક્ત કરી શકે છે, પરંતુ આપણે વ્યક્તિગત અસંમતિ માટે સંવાદ કરવાનું પણ શીખવું જોઇએ.

તેમણે ઉમેર્યું હતું કે, “સોશિયલ મીડિયા ઉપર જોખમોને ઘટાડવા માટે માતા-પિતાએ તેમના બાળક સાથે સારા સંબંધ વિકસાવવા જોઇએ. માતા-પિતાએ બાળકોને વર્ચ્યુઅલ અને વાસ્તવિક વિશ્વ વચ્ચેના તફાવત અંગે શીખ આપવી જોઇએ. સોશિયલ મીડિયા ઉપર હજારો મિત્રો કરતાં વાસ્તવિક જીવનમાં મિત્રો હોવા જરૂરી છે. માતા-પિતાએ સ્ક્રિન ટાઇમ પણ મર્યાદિત કરીને જરૂરી માર્ગદર્શન આપવું જોઇએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.