“ઈસકા બદલા જરૂર લેંગે, ધોકે સે મારા હૈ, કિતના ભાગોગે”: હત્યા કેસનાં એક મહિના બાદ સોશિયલ મીડીયા વોર શરૂ
કાગડાપીઠમાં અલ્પેશ ઠાકોરની હત્યા કેસનાં એક મહિના બાદ સોશિયલ મીડીયા વોર શરૂ-સોશિયલ મીડિયા પર હત્યાનો બદલો લેવાની પોસ્ટથી પોલીસ એલર્ટ થઈ
અમદાવાદ, ઈસકા બદલા જરૂર લેંગે, ધોખે સે મારા હૈ, કિતના ભાગોગે, આ પ્રકારનું લખાણ ગઈકાલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફરતું થયું હતું. એક મહિના પહેલાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક અલ્પેશ ઠાકોર નામના યુવકની બુટલેગર્સ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેમાં સોશિયલ વોર શરૂ થઈ છે.
અલ્પેશ ઠાકોરની હત્યાને એક મહિનો પૂરો થતાં ત્યાંના રહીશોએ વોટ્સએપના સ્ટેટસમાં બદલો લેવામાં આવશે તેવી ધમકી આપી. આ સ્ટેટસ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને કોઈ બનાવ બને નહીં તેનું ધ્યાન રાખી રહી છે.
કાંકરિયા રોડ પર આવેલા કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા કવન ઠાકોરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જિજ્ઞેશ શર્મા (રહે.ઘોડાસર), વિશાલ ચુનારા, વિકી ચુનારા અને વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા (તમામ રહે.કંટોડિયાવાસ રાયપુર) વિરૂદ્ધ એક મહિના પહેલાં હત્યાની ફરિયાદ કરી હતી. કવન રાતે તેના મિત્રો દિનેશ ઠાકોર, જતીન ઠાકોર, મનિષ ઠાકોર, અલ્પેશ ઠાકોર, મહેશ સાથે જયેન્દ્ર પંડિતનગર પાસે બેઠો હતો ત્યારે ૧૧ વાગ્યાની આસપાસ કવનના ભાણેજ કિશનનો ફોન આવ્યો હતો.
કિશને ફોન પર લખ્યું હતું કે, અલ્પેશ શર્મા સહિતના અજાણ્યા શખ્સો વિરૂદ્ધ જે મારામારીની ફરિયાદ કરી હતી તેની અદાવત રાખીને જિજ્ઞેશ, વિશાલ, વિરાજ, વિક્કી સહિતના લોકો હાથમાં તલવાર સહિતના હથિયાર લઈને અલ્પેશ પર હુમલો કરવા આવવાના છે તો તમે અલ્પેશને આ બાબતે જાણ કરી દેજો.
કવને તરત જ તેના ફોઈના દિકરા અલ્પેશને આ બાબતની જાણ કરી દીધી હતી. અલ્પેશ અને મહેશ બન્ને પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે એકાએક બૂમાબૂમ થવા લાગી હતી જેથી કવન, દિનેશ, જતીન, મનીષ દોડતા દોડતા જોગણી માતાના મંદિર પાસે પહોંચી ગયા હતા. કવન સહિતના લોકો જોગણી માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે અલ્પેશ અને મહેશ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડયા હતા.
અલ્પેશ અને મહેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ અલ્પેશને મૃત જાહેર કર્યો હતો. અલ્પેશનું મોત થતાં સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને એક્ટિવા પણ સળગાવી દીધું હતું. પોલીસ સ્ટેશનની પાસે બનેલી આ ઘટનામાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થયા હતા. લોકોનું ટોળું પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયું હતું અને હલ્લાબોલ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ ઘટના બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનને પોલીસ કમિશનર જી.એસ.મલિકે સસ્પેન્ડ કર્યા હતા અલ્પેશ ઠાકોરની હત્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સફાળી જાગી હતી અને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. અલ્પેશ ઠાકોરની હત્યાને એક મહિનો પૂરો થયો છે. ત્યારે હજુ પણ ત્યાંના રહીશોમાં હજુ ગુસ્સો જોવા મળી રહ્યો છે. કાગડાપીઠના રહીશોએ ગઈકાલે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં અલ્પેશ ઠાકોરના ફોટોગ્રાફસ તેમજ ઘટના સ્થળનો ફોટોગ્રાફસ સાથે એક લખાણ પોસ્ટ કર્યું હતું.
લખાણમાં હતું કે, ઈસકા બદલા જરૂર લેંગે, ધોકે સે મારા હૈ, કિતના ભાગોગે. આ લખાણ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી અને અલ્પેશ ઠાકોરના સંબંધીઓ વચ્ચે માથાકૂટ થઈ શકે છે. આ વોટ્સએપ સ્ટેટસ બાદ પોલીસ તેમજ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.