Western Times News

Gujarati News

SOGએ નારોલમાંથી ૪૦ કિલો ગાંજા સાથે ૩ શખ્સો ઝડપ્યા

બે ની શોધખોળ શરૂઃ મધ્યપ્રદેશથી ગાંજાે દાણીલીમડા પહોચાડવાનો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં ઠલવાઈ રહેલા ૪૦ કિલો ગાંજાના જથ્થાને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્) ની ટીમે જપ્ત કર્યો છે. બાતમીને આધારે નારોલ વિસ્તારમાં વોચ ગોઠવતા મધ્યપ્રદેશથી જથ્થો લઈને આવેલા ત્રણ પેડલરોને પણ ઝડપી લીધા હતા જેમાં વધુ બે શખ્સોના નામ ખુલતા એસઓજીએ બંનેને ઝડપી લેવાની દીશામાં પ્રયત્નો શરૂ કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે એસઓજી જુહાપુરાના પીઆઈ કે.જે.ઝાલા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કેટલાંક શખ્સો ગાંજાના મોટા જથ્થા સાથે શહેરમાં ઘુસવાના હોવાની માહીતી મળી હતી જેને પગલે પીઆઈ ઝાલાએ પોતાની ટીમ સાથે નારોલ બ્રિજ નીચે વોચ ગોઠવી હતી.

જેને પગલે રાત્રે ૧૧.૦૦ વાગ્યાના સુમારે એક સફેદ રંગની અર્ટીગા કારને અટકાવતા તેમાંથી ડ્રાઈવર ઈશ્વર ભાવસીંગ ચૌહાણ તથા પાછળ બેઠેલા દિલીપ જતન ચૌહાણ અને રણજીત મહોરસીંગ બનજારા (ત્રણેય રહે. ગામ ધવલી, જી. બડવાણી, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા જેમાંથી દિલીપ પાસેથી મળી આવેલી સ્કુલ બેગ તપાસતાં ગાંજાે ભરેલા પેકેટ મળી આવ્યા હતા જેથી ત્રણેયની કડક પુછપરછ કરી ગાડીની તપાસ કરતા સ્પેર વ્હીલની નીચેની જગ્યાએ બનાવેલા ચોર ખાનામાંથી ગાંજાનો મોટો જથ્થો પણ મળી આવતા એસઓજીની ટીમ પણ ચોંકી ઉઠી હતી અને એફએસએલ અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન ગાંજાનો વજન કરતા ૪૦ કિલો જેટલો હોવાનું બહાર આવ્યું હતું. એસઓજીએ ત્રણેયની કડક તપાસ કરતાં તેમના જ ગામના જતાસીંગ પરમાર નામના શખ્સે તેમને આ જથ્થો દાણીલીમડાના ન્યુ ફેઝલનગરમાં રહેતા જાવેદહુસેન બશીર અહેમદ અંસારીને આપવા મોકલ્યા હતા. એસઓજીએ જાવેદને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે જાવેદ અગાઉ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલમાં લુંટના ગુનામાં ફરાર છે. આ ગુનાની વધુ તપાસ પીએસઆઈ બાંગા કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.