SOG પોલીસે નકલી પત્રકારોની ગેંગને ઝડપી
૭ ઓળખ કાર્ડ અને મીડિયામાં વપરાતા વોઇસ માઈક અને કાર મળી અંદાજે ૫.૪૨ લાખના મુદ્દામાલ કબજે-સીએસ ૨૪ ન્યૂઝ (CS24News) અને ક્રાઇમ ન્યુઝ ૭ (Crime News 7) યુ ટ્યુબ ચેનલ નામના સાત ઓળખ કાર્ડ પણ મળી આવ્યા હતા.
વાપી, વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે મોંઘીદાટ ગાડીમાં ફરતી પાકીટમાર નકલી પત્રકારોની ગેંગને ઝડપી છે. પોલીસે અંદાજે ૫. ૪૨ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથેપાંચ પાકીટમાર નકલી પત્રકારોની ગેંગની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.
ચોંકાવનારી વાત એ છે કે પાકીટમાર નકલી પત્રકારોની આ ગેંગના આરોપીઓ પાસેથી યુટ્યુબ પર ચાલતી ન્યૂઝ ચેનલના નામે ૭ ઓળખ કાર્ડ અને મીડિયામાં વપરાતા વોઇસ માઈક અને કાર મળી અંદાજે ૫.૪૨ લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
બનાવની વિગત વાત કરીએ તો વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટેશનના પીઆઇ વી બી બારડ અને તેમની ટીમ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ વખતે જ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે નરોલી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચેકપોસ્ટ પરથી પસાર થતી એક શંકાસ્પદ ઝાયલો કારને રોકી હતી.
કારમાં શંકાસ્પદ ૫ લોકો બેઠેલા જણાતા પોલીસે તમામની પૂછપરછ કરી હતી. પોતે પત્રકારો હોવાનું જણાવી પોલીસ સામે શરૂઆતમાં રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એસઓજી ટીમ તમામને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યારબાદ પીઆઈ બારડે આગવી ઢબે પૂછપરછ કરતા આ નકલી પત્રકારોએ તેમના કારનામાં કબુલ્યા હતા.
આ નકલી પત્રકારોની ગેંગ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ઝાયલો ગાડીમાં કરતા હતા. એકલ દોકલ વ્યક્તિઓને ગાડીમાં બેસાડી અને તેમના પાકીટ મારી અધવચ્ચે જ ઉતારી અને ફરાર થઈ જતા હતા. આરોપીઓમાં પાસેથી એસઓજી પોલીસે સીએસ ૨૪ ન્યૂઝ અને ક્રાઇમ ન્યુઝ ૭ યુ ટ્યુબ ચેનલ નામના સાત ઓળખ કાર્ડ પણ મળી આવ્યા હતા.
પોલીસની તપાસમાં આરોપીઓ યુ ટ્યુબ પર કહેવાતી યુ ટ્યુબ ચેનલ બનાવી અને તેના ઓળખકાર્ડ બનાવી અને રોફ જમાવતા હતા. પોલીસના હાથે ઝડપાયેલા નકલી પત્રકારોની ગેંગમાં હાસિમ સબીર સૈયદ ફિરોઝ યાસીન શેખ સમદ ઉર્ફે ઇમરાન યુસુફ શેખ જહુર સરદારખાન અને મોહસીન હુસેન હુસેન મોહમ્મદ (તમામ રહે સુરત)ની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.
એસ.ઓ.જી પોલીસની આગવી ઢબે પુછપરછમાં થોડા દિવસ અગાઉ વાપી નજીક ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સલવાવ નજીક થયેલી એક પાકીટમારીની ઘટનાના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. થોડા દિવસ અગાઉ આ ગેંગે સલવાવ નજીક હાઈ-વે પરથી એક વ્યક્તિને ગાડીમાં બેસાડ્યો હતો. ગાડીમાં બેસાડી તેને વાતોમાં ભોળવી અને તેના ખિસ્સામાં રાખેલા રોકડા રૂપિયા ૧.૨૦ લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી અને ત્યાર બાદ વ્યક્તિને અધવચ્ચે રસ્તામાં ઉતારી અને ફરાર થઈ ગયા હતા.