ખેડૂતો માટે જમીનની કુંડળી એટલે ‘સોઈલ હેલ્થ કાર્ડ’
ચાલો, આજે જાણીએ ‘સોઈલ હેલ્થ કાર્ડ‘ વિશે-પાક ઉત્પાદન માટે સૌથી મહત્ત્વનું કુદરતી માધ્યમ એટલે જમીન અને માટી.
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. જો જમીનનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હશે તો, માનવ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેશે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે.
પાક ઉત્પાદન માટે સૌથી મહત્ત્વનું કુદરતી માધ્યમ એટલે જમીન અને માટી. જે ભૌતિક આધાર આપવાની સાથે પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. ઉત્પાદન પ્રક્રિયામાં પોષક તત્ત્વોનું યોગદાન 41થી 45% છે, જે તેની અગત્યતા- આવશ્યકતા દર્શાવે છે. જો જમીનનું સ્વાસ્થ્ય સારું હશે તો જ પાકનું ઉત્પાદન વધુ અને ગુણવત્તાયુક્ત મળશે. જમીનની તાસીર જાણીએ તો જ ખૂટતાં પોષક તત્ત્વોની ખબર પડે અને ખૂટતા તત્ત્વો ખાતર સ્વરૂપે આપી શકાય.
જેના માટે સરકારે રાજ્યના ખેડૂતોને ‘જમીન સ્વાસ્થ્ય કાર્ડ’ એટલે કે ‘સોઈલ હેલ્થ કાર્ડ’ આપવાનું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામના જુદા જુદા ભાગોમાંથી જમીનના નમૂનાઓ લઈ પૃથક્કરણ કરવામાં આવી રહ્યા છે. નમૂનાઓનું યોગ્ય પરીક્ષણ કરી ખેડૂતોને ‘સોઈલ હેલ્થ કાર્ડ’ આપવામાં આવે છે.
‘જમીન સ્વાસ્થ્ય કાર્ડ‘ અથવા ‘સોઈલ હેલ્થ કાર્ડ‘ એટલે શું?
સોઈલ હેલ્થ કાર્ડ એટલે ખેડૂતોની જમીન કુંડળી. આ કાર્ડના માધ્યમથી ધરતીપુત્રોને જમીનનો પ્રકાર, જમીનમાં લભ્ય પોષકતત્ત્વો, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ સહિતની વિગતો મળી રહે છે. એટલે ટૂંકમાં જમીનની તંદુરસ્તીનો મેડિકલ રિપોર્ટ એટલે ‘સોઈલ હેલ્થ કાર્ડ’. જેના થકી ખેડૂત તેને મળેલા કાર્ડને આધારે યોગ્ય સારવાર આપી જમીનની ટકાઉ ઉત્પાદકતા જાળવી શકે છે.
જમીનની તંદુરસ્તી તપાસવા માટે 12 પેરામીટર હોય છે. આમાં N, P, K (મેક્રો પોષક તત્ત્વો), S (ગૌણ પોષક); Zn, Fe, Cu, Mn, Bo (સૂક્ષ્મ પોષકતત્ત્વો); અને PH,EC,OC (ભૌતિક પેરામીટર) રાખવામાં આવે છે. આ તમામ માપદંડોની માહિતી સોઈલ હેલ્થ કાર્ડમાં લખેલી છે એટલે કે, જમીનમાં કયા તત્ત્વની ઊણપ છે, કયું તત્ત્વ વધુ છે. ખાતર-ખાતરનો કેટલો ઉપયોગ થાય છે, ઊણપ કેવી રીતે પૂરી થશે વગેરે. જેથી આ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ધરતીપુત્રોને ખેતી માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.