Western Times News

Gujarati News

સોજીત્રા નગરપાલિકાનું બજેટ મંજૂર કરાવવા જિલ્લાની નેતાગીરીના ધમપછાડા

સોજીત્રા પાલિકાની આજે પુનઃ બજેટ બેઠક-અસંતુષ્ટોને મનાવવા મિટીંગોનો દોર

સીઓ બદલાયા –સોજીત્રા નગરપાલિકામાં ચીફ ઓફિસરોની વારંવાર બદલીઓનો મુદ્દો ચર્ચામાં પહેલેથી જ છે. છેલ્લા બે વર્ષમાં પાંચ જેટલા ચીફ ઓફિસરોની બદલી થઈ ચૂકી છે. આ બદલીઓ વચ્ચે તાજેતરમાં ૧૧ માસના કરાર આધારિત ચીફ ઓફિસર તરીકે કિરણ શુક્લાને મુકવામાં આવ્યા હતા.

જેઓની ઉપસ્થિતીમાં જ પહેલી વખત તા.૨૪ માર્ચના રોજ વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર રજૂ થયું હતું. પરંતુ માત્ર ૧૪ દિવસમાં જ તેઓની જગ્યાએ ચીફ ઓફિસર તરીકે નિલમ રોયની નિમણૂંક થઈ હતી. જેઓએ ચાર્જ સંભાળી લીધો છે. જેથી હવે નામંજૂર થયેલ બજેટ આવતીકાલે નવા ચીફ ઓફિસર નિલમ રોયની ઉપસ્થિતીમાં રજૂ થનાર છે.

(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લામાં ભાજપ શાસિત ઉમરેઠ અને સોજીત્રા નગરપાલિકાના બજેટ ગત દિવસોમાં નામંજૂર થયા હતા. જેથી આ બંન્ને પાલિકાના અસંતુષ્ટ સભ્યોને મનાવવા જીલ્લા નેતાગીરીએ કમર કસી હતી. જેના ફળસ્વરૂપે ઉમરેઠ પાલિકાનું બજેટ મંજૂર કરાવી દિધું છે.

જ્યારે સોજીત્રા પાલિકાનું બજેટ મંજૂર કરાવવા જીલ્લાના નેતાઓ હજીપણ ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જાેવાનું એ રહેશે કે અસંતુષ્ટ સભ્યોની નારાજગી પાલિકાના વહિવટમાં કેવો નવો વળાંક લાવે છે ?

મળતી માહિતી મુજબ સોજીત્રા નગરપાલિકાની બજેટ બેઠક ગત તા.૨૪ માર્ચના રોજ સવારે ૧૧ કલાકે પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમાં કાર્યસૂચી મુજબ ૧૬ કામો રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ આ પૈકી કામ નં.૧, ૨, ૩, ૪ અને ૧૩ નંબરના કામોમાં ભાજપના જ ચાર સભ્યો વિરોધપક્ષની ભૂમિકામાં આવી જતા રાજકીય ગરમાવો આવી ગયો હતો.

તેમાંય બજેટનું કામ નામંજૂર થતાં પ્રમુખ સહિત અન્ય સભ્યોના મુખ ઉપર ભારે ગમગીની જાેવા મળી હતી. પાલિકાના પ્રમુખની તાનાશાહી અને એકહથ્થુ શાસન ચલાવવાની નિતીરિતીને કારણે ભાજપના જ ચાર સભ્યોમાં અસંતોષનો ચરૂ ઉકળ્યો હતો.

જેને કારણે જ આ ચાર સભ્યોએ બજેટ બેઠકમાં વિરોધ કરી આડકતરી રીતે પ્રમુખને જવાબ આપ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. બજેટ નામંજૂર થયા બાદ જાે તા.૩૧ માર્ચ સુધીમાં મંજૂર ના થાય તો પાલિકા સુપરશીડ થવાનો ભય સ્થાનિક નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

જેથી સોજીત્રા પાલિકાનું બજેટ યેનકેન પ્રકારે મંજૂર કરવા જીલ્લા નેતાગીરીએ કમાન સંભાળી છે. છેલ્લા પાંચ દિવસથી અસંતુષ્ટ સભ્યોને મનાવવા જીલ્લાના નેતાઓએ ફાર્મ હાઉસ કે અન્ય અજ્ઞાત સ્થળોએ મિટીંગોનો દોર શરૂ કર્યો છે. જાે કે એક તબક્કે અસંતુષ્ટોએ આ નેતાઓને ભૂતકાળમાં આપેલ રાજીનામાં સંદર્ભે પરખાવી દેતાં કહ્યું હતું કે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા હતા અને સંગઠનના સ્થાનિક મહામંત્રીએ સ્વીકાર્યા હતા, તો હવે અમે સ્વતંત્ર છે !

છતાં જીલ્લાના નેતાઓની દરમ્યાનગીરીને કારણે કદાચ ઘી ના ઠામમાં ઘી પડે તો નવાઈ નહીં ! પરંતુ જીલ્લા નેતાગીરી અસંતુષ્ટોને સંતોષ આપવા પ્રમુખ સામે શું પગલાં લે છે ? તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી રહેશે ! અત્રે ઉલ્લેખનીય છે કે તા.૩૧ માર્ચની બજેટ બેઠકમાં ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા તમામ સભ્યોને વ્હીપ આપવામાં આવનાર હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી જ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.