સોજીત્રા પાલિકાના સત્તાપક્ષમાં આંતરકલહઃ પાંચ સભ્યોના રાજીનામાં

પાંચ સભ્યોએ ભાજપના પ્રા.સભ્યપદેથી આપેલ રાજીનામાઃ સમાધાન થયાની વાતને વખોડતા નારાજ સભ્યો
(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાની સોજીત્રા નગરપાલિકામાં છેલ્લા પોણા બે વર્ષથી ભાજપનું શાસન છે. આ શાસનકાળ દરમિયાન નગરમાં વિકાસના કોઈજ કામ થતા નહી હોવાના મુદ્દા સાથે પાંચ સભ્યોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે.
પક્ષના સભ્યપદેથી આપેલ રાજીનામાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. યેનકેન પ્રકારે આ સભ્યોને મનાવવા સંગઠનના નેતાઓ મેદાનમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નારાજ પાંચ સભ્યોએ આપેલ રાજીનામા પરત લઈ લીધા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનતા આ વાતને આ પાંચ સભ્યોએ વખોડી કાઢી જણાવ્યું હતુ કે અમારા પ્રશ્નો હજી પણ યથાવત છે.
સોજીત્રા નગરપાલિકા ૬ વોર્ડમાં વહેચાયેલ છે. જેની ર૪ બેઠકો માટે ગત ફેબ્રુઆરી ર૦ર૧માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમા ભાજપને ૧પ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી હતી. સ્પષ્ટ બહુમત સાથે પાલિકામાં ભાજપના સભ્યોએ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા.
પાલિકામાં વર્તમાન બોર્ડને લગભગ પોણા બે વર્ષ થતા હોવાના આરે સત્તા પક્ષના પાંચ સભ્યોએ એકાએક ભાજપ સંગઠનના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલિકાના વોર્ડ નં.૧ના સભ્ય તથા ઉપપ્રમુુખ કલ્પનાબેન ઉમેશભાઈ મકવાણા,
વોર્ડનંરના રાહુલભાઈ અશોકભાઈ વાઘરી, વોર્ડનં.૩ના ઉન્નતીબેન ધર્મેશભાઈ રાણા, વોર્ડનં.૪ના જીગ્નેશભાઈ અશ્વિનભાઈ કા.પટેલ તથા વોર્ડનં.પના કોકીલાબેન લક્ષ્મણભાઈ વાઘરીએ આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ તથા સોજીત્રા શહેર ભાજપ પ્રમુખને પોતાના રાજીનામા મોકલી આપ્યા છે. જેમા જણાવ્યું છે કે ભાજપના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનું સૂત્ર દેશના વડાપ્રધાને આપેલ છે,
જે સોજીત્રા નગરપાલિકામાં સાર્થક થતુ નથી. સોજીત્રા શહેર ભાજપના કેટલાક પૂર્વ પ્રમુખો તથા સંગઠનના કેટલાક સભ્યો દ્વારા અમારા ઉપર ખોટા આક્ષેપો કરી બદનામ કરવામાં આવે છે. જેને કારણે અમે ભાજપ સંગઠનના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપતા હોવાનું જણાવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોજીત્રા પાલિકાના પાંચ સભ્યોનું પ્રાથમિક સભ્યપદેથી આપેલ રાજીનામાના મુદ્દાએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. તેમાય સોજીત્રા પાલિકાના પ્રમુખ રજનીકાંત જશભાઈ પટેલનું નામ વિધાનસભા ચૂંટણીના દાવેદાર તરીકે ચાલી રહ્યું છે ત્યારે જીલ્લાના રાજકારણમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રમુખ એકહથ્થુ શાસન ચલાવે છે – ધર્મેશ રાણા
સોજીત્રા પાલિકાના સભ્ય ઉન્નતીબેન રાણાના પતિ ધર્મેશભાઈએ જણાવ્યું હતુ કે નગરમાં ટેકરીયાપુરા અને વાઘજીપુરામાં પીવાના પાણીની સમસ્યા, ચોકડી વિસ્તાર ખાતે રબારી વાસમાં ઉભરાતી ગટરો, જૂના બસ સ્ટેન્ડથી ખોડિયાર માતાના મંદિર સુધી ટ્રાફિકની સમસ્યા, લીમડી ચોકમાં વર્ષોથી પડતર એવો મુતરડીનો પ્રશ્ન વગેરે જેવા વિકાસના કોઈ કામ હાથ ઉપર લેવાતા નથી.
થોડા સમય પહેલા એક રસ્તો બનાવ્યો તે પણ તૂટી ગયેલ છે. કોન્ટ્રાક્ટરને આ અંગે પુછતા તે જણાવે છે કે પ્રમુખ સાથે વાત થઈ ગયેલ છે. પાલિકામા વસ્તુઓની ખરીદીના ભાવોમાં પણ ઘણો તફાવત હોય છે. અમે પાલિકા પ્રમુખને કઈપણ પુછીએ તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અમને મત આપનાર લોકો કામો માટે અવાર નવાર પુછતા હોય છે. તો અમારે જવાબ શું આપવો ?
અમારા કામો થતા નથી – લક્ષ્મણભાઈ
સોજીત્રા પાલિકાના સભ્ય કોકીલાબેન વાઘરીના પતિ લક્ષ્મણભાઈએ જણાવ્યું હતુ કે અમે વર્ષોથી ભાજપ સાથે છે. છેલ્લા પોણા બે વર્ષથી સોજીત્રા પાલિકાના સભ્યપદે હોવા છતા અમારા વોર્ડ નં.પના કોઈ કામો થતા નથી. મોટી નહેર પાસેનો રોડ તથા અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા વર્ષોથી પડતર છે. અમારે ત્યા આજે પણ લોકો પાણી કુવામાથી ખેચીને વપરાશ કરે છે. આવા અનેક કામોની રજૂઆત પાલિકા પ્રમુખને કરી હોવા છતા થતા નથી.
વોર્ડ ૪ વિકાસથી વંચિત – જીગ્નેશ કા.પટેલ
ભાજપના પ્રા.સભ્યપદેથી રાજીનામુ આપનાર જીગ્નેશભાઈ કા.પટેલે જણાવ્યું હતુ કે અમારો વોર્ડ વિકાસના કામોથી વંચિત છે. દોઢ વર્ષ ઉપરાંતનો સમય થયો હોવા છતા કામો ફક્ત ઠરાવ ઉપર જ લેવાય છે. ત્યાર બાદ તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતી જ નથી. પાલિકા પ્રમુખને રજૂઆત કરીએ તો તેઓ ફક્ત કામો થઈ જવાના ઠાલા વચનો આપે છે.