Western Times News

Gujarati News

સોલા ભાગવત ખાતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની થયેલ ભવ્ય ઉજવણી

ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો. આ પ્રંસગની યાદગીરી નિમિતે સોલા ભાગવત ખાતે ગોવર્ધનપૂજા અને રસરાજ પ્રભુનો અન્નકૂટ મનોરથ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખુબ જ ઉત્સાહથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને ઠાકોરજીના આ મનોરથના દર્શનનો લાભ લીધો હતો.

સોલા ભાગવત ખાતે રસરાજ પ્રભુનો અન્નકૂટ મનોરથ મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં કુલ ૭૦ કરતા પણ વધુ જુદા જુદા મિષ્ટાન અને વ્યંજનો રસરાજ પ્રભુને ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શનથી  વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની મહત્તા વિશે સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે “જયારે સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ નિહાળ્યું કે વ્રજવાસીઓ ઈન્દ્રયજ્ઞ કરી રહ્યા છે. ત્યારે ભગવાનશ્રી એ કહ્યું કે તેઓએ ઈન્દ્રની પૂજા છોડી દઈને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ.

આ વાત જાણીને ઈન્દ્ર ક્રોધીત થાય છે અને વ્રજવાસીઓ પર વિનાશકારી વરસાદ વરસાવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉંચકી લે છે અને બધા વ્રજવાસીઓને તેની છાયામાં સતત સાત દિવસ સુધી આશ્રય આપે છે.

ઈન્દ્ર પોતે કરેલ દુષકૃત્ય પ્રત્યે સભાન થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ક્ષમા યાચના કરે છે. આ શુભ પ્રસંગને શ્રીમદ્ ભાગવતના દશમાં સ્કંધમાં ગોવર્ધનલીલા તરીકે વર્ણવવામાં આવ્યો છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ગોવર્ધન પર્વત એ પોતાનું એક સ્વરૂપ છે અને મારા સમાન જ પૂજનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.