ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ એક વર્ષમાં ૮૦૬ જિંદગી બચાવી
(એજન્સી) અમદાવાદ, મ્યુનિ. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો દ્વારા આગ, અકસ્માત કે ભૂકંપ કે પૂર જેવી માનવીય કે કુદરતી આપદાના સમયે પોતાનો જીવ જાેખમમાં નાખીને લોકોના જાનમાલની રક્ષા કરવામાં આવે છે.
ગુજરાત જ નહી, પણ સમગ્ર દેશમાં અમદાવાદ ફાયર બ્રિગેડની સેવાના વખાણ થઈ રહ્યાં હોઈ ચોમાસામાં પૂરની આફતમાં સપડાતા બિહાર, ઝારખંડ જેવા રાજયોમાં ફાયર બ્રિગેડના જવાનો લોકોનો મદદ માટે દોડી જાય છે. આ વિભાગ દ્વારા ગત નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં ખૂબ પ્રશંસનીય કામગીરી કરાઈ છે. તેમાં પણ વિભિન્ન સ્થળોએ લાગેલી નાની-મોટી આગના બનાવોમાં ફસાયેલા કુલ ૮૦૬ લોકોને સહી સલામત બહાર કાઢીને આ જવાનોએ લોકોના દિલ જીતી લીધા છે.
મ્યુનિ. ફાયર બ્રિગેડના વડા જયેશ ખડિયા પાસેથી મળેલી સત્તાવાર માહિતી મુજબ તંત્રને વર્ષ ર૦રર-ર૩માં કુલ ૪૯,પરપ કોલ મળ્યા હતા, જેમાં સૌથી વધુ ડેડ બોડી વાનના રપ,૦૩૧ કોલ હતા, જયારે એમ્બ્યુલન્સ માટે ૧૬,૧૮૬ કોલ નોંધાયા હતા તેમજ અંગાર કોલની સંખ્યા કુલ રર૪પની હતી.
તંત્રને મળેલા કુલ કોલમાંથી ભલે અડધો અડધ કોલ ડેડબોડી વાનના હતા, પરંતુ તેનાથી અંગાર કોલ મળતાં લોકોને બચાવવા તત્કાળ ઘટના સ્થળે દોડી જનારા ફાયર બ્રિગેડના બહાદુર જવાનોની કામગીરીનું મુલ્યાંકન લેશમાત્ર ઓછું કરવા જેવું નથી. કેમ કે ફાયર બ્રિગેડ દ્વારા ૪૩૦ પુરુષ, રપ૭ સ્ત્રી અને ૧૧૯ બાળકોને આગની ભયાનક જ્વાળાઓમાંથી હેમખેમ રીતે બહાર કઢાયા હતા
આમ કુલ ૮૦૬ મહામૂલી જિંદગીનું રક્ષણ કરીને ફાયર બ્રિગેડ વિભાગે લોકોની ભારે પ્રશંસા મેળવી છે. જયારે આગની નાની મોટી દુર્ઘટનામાં ભડથું થઈને મોતને ભેટનારા કુલ ૧૦ લોકોના મૃતદેહને ફાયર બ્રિગેડે બહાર કાઢયા હતા, જેમાં ચાર પુરુષ, બે સ્ત્રી અને ચાર બાળકની લાશ હતી.
આ ઉપરાંત દાઝેલી કે ઘાયલ અવસ્થા ધરાવતા કુલ ૬૧ લોકોને પણ ફાયર બ્રિગેડના જવાનોએ આગની ભીષણ જ્વાળામાં કુદીને તેમને સુખરૂપ બહાર કાઢી તેમના કીમતી જીવનની રક્ષા કરી હતી. પ૦ પુરુષે ૮ સ્ત્રી અને ત્રણ બાળકને ફાયર બ્રિગેે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.