ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા બેક્ટેરિયાના દ્રાવણ ખેતીમાં ખૂબ જ ઉપયોગી
સાણંદ તાલુકાની 70થી વધુ મહિલાઓએ જીવામૃત બનાવવાની તાલીમ મેળવી-તાલીમાર્થી મહિલાઓએ પ્રાકૃતિક કૃષિ સખી તાલીમના ભાગરૂપે ખોરજ ગામે શક્તિસિંહ વાઘેલાના દેવીઆનંદ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
ભાવિ પેઢી માટે પોષણક્ષમ આહાર અને તંદુરસ્ત શરીરનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. જેના પગલે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસો અંતર્ગત તાજેતરમાં જ રાજ્યવ્યાપી કૃષિ સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ કેવી રીતે પ્રાકૃતિક ખેતીમાં જોડાઈને આર્થિક સહયોગ કરવાની સાથે પ્રાકૃતિક કૃષિમાં વિવિધ પ્રયોગો કરીને સારું ઉત્પાદન મેળવી શકે તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તાલીમના ભાગરૂપે સાણંદ તાલુકાના 70 જેટલા મહિલા તાલીમાર્થીઓને સાણંદના ખોરજ ગામે આવેલા શક્તિસિંહ વાઘેલાના દેવીઆનંદ પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મહિલાઓને જીવામૃત બનાવવાની ઝીણવટભરી તાલીમ આપવામા આવી હતી. આ ઉપરાંત અહીં જીવામૃત બનાવીને લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો હતો. સાથોસાથ પંચસ્તરીય બાગબાની ખેતી વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક કૃષિના આયામો પૈકી જીવામૃત ખૂબ મહત્વનો આયામ છે. ત્યારે પ્રાકૃતિક ખેતીમાં જમીન માટે અમૃત ગણાતા જીવામૃતનું મહત્ત્વ, તેને બનાવવાની રીત તથા ફાયદા વિશે પણ કેટલીક માહિતી મેળવીએ.
જીવામૃત એટલે શું?
ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા બેક્ટેરિયાના દ્રાવણને જીવામૃત કહેવામાં આવે છે. આ જીવામૃતમાં ઘણાં બેક્ટેરિયા હોય છે, જે ખેતીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
જીવામૃત બનાવવા માટે જરૂરી સામગ્રી
જીવામૃત બનાવવા માટે 10 કિગ્રા જેટલું દેશી ગાયનું છાણ, 8થી 10 લિટર જેટલું દેશી ગાયનું ગૌમૂત્ર, 2 કિગ્રા જેટલો ગોળ, 2 કિગ્રા જેટલો ચણાનો લોટ અને 500 ગ્રામ જેટલી ઝાડની નીચેની માટી. તો આટલી સામગ્રીથી તૈયાર થશે જીવામૃત.
જીવામૃત બનાવવાની રીત
સૌ પ્રથમ 200 લિટરનું એક ટીપણું લો. ઉપર દર્શાવેલ બધી વસ્તુઓને ટીપણામાં ઓગાળી લો. ત્યારબાદ ટીપણું ખાલી હોય તેટલું પાણી ભરો. તેના પછી સતત 3 દિવસ સુધી લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં રોજ સવાર-સાંજ બે-ત્રણ મિનિટ સુધી હલાવો. આ દરમિયાન ટીપણાને કોથળાના બારદાનથી ઢાંકીને ઝાડની નીચે રાખો તે વધારે સારું રહે છે. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ, મિથેન જેવા હાનિકારક વાયુઓનું નિર્માણ થશે. 3 દિવસ બાદ તમારું જીવામૃત ઉપયોગ માટે તૈયાર થઈ જશે.
તૈયાર કરેલા જીવામૃતનો ઉનાળામાં સાત દિવસની અંદર ઉપયોગ કરવો જોઈએ અને ઠંડા વાતાવરણમાં 8થી 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે, ત્યારબાદ તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે, તેથી તેની અસરકારકતા ઘટી જાય છે, તેથી તેનો પાકમાં ઉપયોગ કર્યા વિના તેને જમીનમાં નાખીને તેનો નાશ કરવો જોઈએ.