ચીજ વસ્તુઓ કેટલાંક લોકો પાછા માંગે પણ એવી રીતે કે, આપણાથી નફ્ફટ થઈને ના પડાય નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/borrowmoney.jpg)
‘માંગન મરન સમાન હૈ, મત કોઈ માંગો ભીખ;
માંગન સે મરના ભલા, યહ સત ગુરુ કી શીખ.’
આવું લખીને કબીરજીએ માગનારાઅનો દા’ડો ઉઠાડી દીધો હોય તેમ જણાય છે. તો વળી બીજા સંત તુલસીદાસજીએ, ‘દયા ધરમ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન’ કહીને ભીખ માગનારાઓને માગી ખાવાની સગવડ કરી આપી છે.
જેમ સડક પર ચાલનારા મોટર, રિક્ષા કે હાથલારીથી બચવા પ્રયત્ન કરે છે, વેપારીઓ ઈન્કમટેકસ- અધિકારીને ટાળવા પુરુષાર્થ કરે છે અને વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવાના પ્રયત્નમાંથી ઉગરવા સરળ માર્ગો શોધે છે તેમ હું પણ આ કામચલાઉ ઉછીનું લેનારા મનુષ્યોથી બચવાનો પ્રયત્ન કરું, તો તેમાં કશું ખોટું કરતો હોઉં તેમ માનતો નથી.
ઉછીનું માગનારા લોકોના મરણિયા પ્રયત્નો આગળ મારા પ્રયત્નો વામણા લાગે તે સમજી શકાય તેવું છે, કારણ કે એ લોકો પોતાની હસ્તી માટે જીવી રહ્યા છે, જયારે હું તો માત્ર જીવી રહ્યો છું.
એક દિવસ હું નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં મનીઓર્ડર કરવા ગયો હતો. ફોર્મ ભરીને હારમાં ઉભો રહ્યો. ત્યાં એક ભાઈએ નમ્રતાથી મને પૂછ્યુંઃ ‘તમારી પાસે પેન છે?’ મેં ગજવા સામે જોયું, તો ત્યાં મારી પેન મસ્તક ઉચું રાખી દમામભેર ઉભી હતી. ના પણ શી રીતે પાડી શકાય? એ સજ્જન બોલ્યા ઃ ‘મારે ફકત બે શબ્દો લખવા છે, પેન આપશો ?’
સૌજન્ય, દયા, માનવતા, પરોપકાર ઈત્યાદિનું અકાળે અવસાન થતું અટકાવવા મેં પેન આપી. મારો નંબર આવતાં મનીઓર્ડરની રકમ આપી, પહોંચ લીધી અને ઉચું જોયું, તો પેલા સજ્જન અદૃશ્ય થયેલા જણાયા.
કોઈ પ્રેમીની પ્રેમિકા એની સાથે નહીં, પણ કોઈ પરાયા ભળતા માણસ સાથે ક્ષણિક બેદરકારીને કારણ પ્રેમાલાપ કરી બેસે અને એનું નજર સામે જ અપહરણ થયેલું જોઈ, જેમ પ્રેમી કપાળે હાથ પછાડી, લથડતા પગે ઘેર પાછો ફરે તેમ Ìદય આગળ સ્થાન પામેલી પેનને ખોઈ, વીલા મોંએ ઘેર પહોંચ્યો, એટલે હવે મેં નવી રીત અખત્યાર કરી છે, પેન આપવી પણ ખોખું પાસે રાખવું.
મને પુસ્તકો ખરીદવાનો શોખ છે. અનેક વિષ્યોના પુસ્તકો મારા કબાટને શોભાવે છે અને જયાં સુધી ગુજરી ભેગાં થયાં નથી ત્યાં સુધી, એને લીધે હું પણ શોભી રહ્યો છું. મારા એક મિત્ર આવ્યા. પુસ્તકોને જોઈ રહ્યા અને અચાનક બોલ્યાઃ ‘યાર ! ગોવર્ધનરામ ત્રિપાઠીના ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગ તારી પાસે પડ્યા છે ને કંઈ? બે-ચાર દિવસ માટે હું લઈ જાઉં છું.’
હું આનાકાની કરું કે કશું બોલું, અરે ! કબાટમાંથી કાઢીને આપું તેની રાહ જોયા વિના, એ સ્વયં શ્રમકાર્ય કરીને એમના કરકમળમાં ચારેય ભાગ પકડીને ઉભા રહ્યા. જેમ શ્રીમતીજી પગારના દિવસે ભરેલા ગજવા પર ધોળે દિવસે હાથ અજમાવે, બરાબર તેવું જ તેમણે કર્યું.
બેચાર દિવસને બદલે બેચાર વર્ષ થઈ ગયાં. વારંવાર યાદ કરાવ્યું, પણ પ્રત્યેક વખતે ઉત્તર મળ્યો ઃ ‘આપીશું હવે, ખાઈ થોડો જવાનો છું?’ વધુ દબાણ કરતાં કહે ઃ ‘સાચું કહું ? મારો સાળો એની સાળી માટે એ પુસ્તકો લઈ ગયો છે. છેવટે એ સાળો, સાળો ઠર્યો, એને બીજું શું કહી શકાય? તું કહેતો હો તો બજારમાંથી ખરીદી આપું.’
કદાચ ‘ખરીદી આપ’ એમ કહ્યું હોત, તોપણ એ પુસ્તક બીજાં દસ વર્ષે પણ પરત ન જ આવત, અને મને ખાતરી હોવાથી, મન મોટુંરાખી, મન લગભગ મારી નાખીને હું બેસી રહ્યો. પછી થયું ઃ આવા સાળાઓ ન હોય તો સારું !
સવારના પહોરમાં પડોશીએ આવીને કહ્યું ઃ ‘જરા તમારી સાઈકલ આપશો ? લાવો ચાવી.’
મારે સાડાઅગિયારે ઓફિસે જવાનું હતું, છતાં કોઈ માગવા આવે અને તે પણ પાછો પડોશી હોય, તો ના પણ શી રીતે પડાય ? પહેલો સગો પડોશી. સગાં દૂર ને પડોશી પહેલો કામમાં આવે’ એવી કહેવતો સાંભળી રાખેલી અને અર્થ પણ જાણી રાખેલો, એટલે ‘મારે ઓફિસે જવાનું છે, તેથી અગિયાર વાગ્યે પાછા આવી જજો’ એમ સૂચના આપીને સાઈકલ આપી. પણ રામ તારી માયા. માગવા આવતાં જે ઉત્સાહ હતો તે પાછા આવતાં જોવા ન મળ્યો.
અગિયાર વાગી ગયા અને ઘડિયાળનો કાંટો શરમ રાખ્યા વિના આગળ વધવા લાગ્યો. ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’ એ છુપાઈ રહેલી આશાને શોધવાની તકલીફ લીધા વિના હું બસસ્ટેન્ડ તરફ ભાગ્યો. ભરાયેલી બસ ઉભી ન રહેતા, રિક્ષામાં બેસી હાંફળોફાંફળો પહોંચ્યો.
સાંજે આવ્યો ત્યારે સાઈકલ ઉભી હતી, પણ મને તો મારી સાઈકલનું મડદું ઉભેલું જણાયું. લોકો કહે છે કે, ‘પારકાના હાથમાં ગયેલી ભાર્યા, ધન અને પુસ્તકની દશા છિન્નવિÂચ્છન્ન થાય છે.’ પણ હવે મારા અનુભવથી ચોથી વસ્તુનો ઉમેરો કરતાં કહું છું કે,
‘પારકાના હાથમાં ગયેલી સાઈકલની પણ એવી જ દશા થાય છે.’ બ્રેક તૂટી ગયેલી, ચેઈન ઉતરી ગયેલી, ઘંટડી ખોખરી થઈ ગયેલી અને અનેક સ્થળે ઉઝરડા પામેલી હોવાથી સમરભૂમિમાંથી કોઈ યોદ્ધો નાક-કાન-આંખ-હાથ ગુમાવી પાછો ફર્યો હોય તેવી તે દેખાતી હતી.
ચોમાસાના દિવસોમાં જયારે ધોધમાર વરસાદ પડતો હોય, ત્યારે પણ મારે ત્યાં આવનારા મિત્રોમાંથી બેત્રણ એવા છે, જેઓ કદી છત્રી કે રેઈનકોટ સાથે લાવતા નથી અને જતી વખતે ખૂણામાં પડેલી મારી છત્રી તરફ નજર નાખી, ‘તમારી છત્રી લઈ જાઉં છું, કાલે મોકલી આપીશ.’
હું પૂછું છું ઃ ‘તમે છત્રી નથી રાખતા !’ જવાબ મળે છે ઃ ‘શી જરૂર છે ? આપણા અમદાવાદમાં વળી વરસાદ જ ક્યારે પડે છે ? ક્યાંક છત્રી ભૂલી જઈએ તો ?’
પછી છત્રી લઈ જનાર પાછી મોકલવાનું ભૂલી જાય, આપણે પાછી લેવા ન જઈએ, ત્યાં સુધી તેનો છૂટથી ઉપયોગ કરે અને જો, આપણે ઘણો સમય પસાર થતાં આપણી છત્રી કોણ લઈ ગયેલું તે આપણે જ ભૂલી જઈએ, તો માગીને લઈ જનારને એ પારકી મિલકત પોતાની લાગે છે. ‘કોઈકની છત્રી આપણે ત્યાં આવી ગઈ છે, કોની હશે ? એવા પ્રશ્રો વારંવાર કર્યા કરે, પણ તેના અસલ માલિકનું નામ યાદ જ ન આવે. અને એમ પારકી છત્રી પ્રાપ્ત કરી આનંદ મેળવે છે.
મારો એક મિત્ર છે. કોઈક વાર હું એની સાથે ભણતો હતો. એનો એવો નિયમત હતો કે કોઈની જાનમાં જવું હોય તો મારાં પેન્ટ અને બુશશર્ટ લઈ જતો. ઈન્ટરવ્યૂ આપવા જવાનું હોય તો પણ મારાં જ ઈસ્ત્રી કરેલાં કપડાં માગવાનું પસંદ કરતો, તે એટલે સુધી કે એના સાસરે જાય ત્યારે પણ, મારાં જ કપડાં પહેરીને જવાનું એને અનુકૂળ અને સલામત જણાતું. પાછો આવે ત્યારે, ધોયા વિનાનાં કપડાં મને પહોંચતાં કરવા જેટલો એ ઉદાર હતો.
એ વારંવાર કહેતો ઃ ‘તારાં કપડાં મારા શરીરને બરાબર બંધ બેસે છે. આપણે તો ભાઈ, સારા પ્રસંગો તારાં જ કપડાં પહેરવાનાં.’ આખરે સંસારમાં કેવળ મિત્રતા જ એવી ચીજ છે, જેને ઉપયોગિતા સાથે સંબંધ છે એ બાબતમાં બેમત નથી. ‘એ કપડાં માગે અને હું આપું નહીં એ બને નહીં.’ કારણ કે કપડાં જેવી સામાન્ય સુવિધા પૂરી ન પાડું તો હું મિત્ર ન ગણાઉં અને પછી તો સિદ્ધ જ થાય કે હું કદી મિત્ર હતો જ નહીં.
મારી સામેના મકાનમાં ચંદુભાઈ કહે છે, એ મહાશય ચાર કપ-રકાબી, ચાર થાળી-વાટકા અને બે ચાદરો અને ચાર ગોદડાં સાથે દિવસોના દિવસો અને વર્ષોનાં વર્ષો સુખે પસાર કરી રહ્યાં છે. એમને ત્યાં મહેમાન આવે ત્યારે કપ-રકાબી, થાળી- વાટકા, ચમચીઓ, ચાંદરો અને ગોદડાં માગવા એમના શ્રીમતીને ઢાલ બનાવીને અમારે ત્યાં પધારે છે.
પહેલાં આવેલા શ્રીમતીજીને એ પોતે શોધવા નીકળ્યા હોય તેવો ડોળ કરતાં કહે ઃ ‘અહો ! મહેમાન આવ્યા છે, એટલે ખૂટતી ચીજ-વસ્તુઓ લેવા આવી હોઈશ. મને થતું હતું કે, અત્યારના પહોરમાં તું ક્યાં ગાયબ થઈ ગઈ ? સારું છે, ભાઈ! તમારા જેવા જરૂરિયાત કરતાં અઢળક રાખે છે તે કામ આવે છે, હૈં… હૈં…’
જયારે માગીને લઈ જવાયેલી વસ્તુઓ પાછી આવે છે ત્યારે, બે-ચાર ચમચીઓ ખૂટે છે, કપ કે રકાબી ફૂટે છે, કપના હેન્ડલ તૂટે છે, થાળીમાં ગોબા અને લિસોટાની અછત રહેતી નથી અને નવાં ગાંદલામાં બાળકે કરેલી લઘુશંકાની કુદરતી સુગંધ મહેંકી રહેલી જણાય છે. ત્યારે આપણને થાય કે, આ બધી વધારાની વસ્તુઓ આજે જ જોઈને ઉંડા કૂવામાં પધરાવી દઈએ ! અને ચંદુભાઈની માફક આપણે પણ શરમ, ંકોચ અને ગૌરવને અભરાઈ ઉપર ચઢાવી, માગીમાગીને દા’ડા કાઢતા થઈ જઈએ.
અમારા ફળિયામાં ઉંદરોનો ઉપદ્રવ વધી રહ્યો હતો, હું બજારમાંથી એક ઉંદરિયું ખરીદી લાવ્યો. રાત્રે કોઠી પાછળ મૂકયું અને સવારે તો ગણેશજીના ચાર-પાંચ વાહનો સામટાં બંધનગ્રસ્ત દશામાં જોવા મળ્યાં. જાણે મોટું પરાક્રમ કર્યું હોય તેમ, હાથમાં પાંજરું ઝુલાવતાં, તેમને ખુલ્લી હવામાં છોડી મૂકવા અમે મહાપ્રસ્થાન આરંભ્યું. ફળિયાનાં છોકરાં પાછળ આવ્યાં અને તે તોફાની બારકસોએ પાછા ફરી બધે જાહેરાત કરી દીધી કે, ‘દીનુભાઈને ત્યાં ઉત્તમ ઉદરિયું છે.’ બસ, પછી તો ઉંદરિયાવાંચ્છુઓની કતાર મારા આંગણામાં લાગી ગઈ. ‘આપણે પણ ઉંદરિયું ખરીદી લાવીએ’ એવો ભ્રષ્ટ વિચાર કોઈને આવ્યો જ નહીં.
આ રીતે જ ઘઉં ચાળવાના ચાળણા, સૂપડું, ખલ-દસ્તો અને જે જે ઉપયોગી ચીજ નજરે પડી ગઈ હોય તે માગીને લઈ જનારાઓના હૈયે વસી જતી અને જરૂર પડયે એમના હાથમાંથી પડી જતી. કેટલીકવાર તો ખાંડ, લોટ અને ઘી પડી જતાં વાટકી ભરી લોટ, ઘી અને ચાની માગણી ક્રમાનુસાર ચાલુ રહે છે.
પાછા માગે પણ એવી રીતે કે, આપણાથી નફ્ફટ થઈને ના પડાય નહીં, મેં મારા શ્રીમતીજીને એ સમજાવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે કે, ઉછીનું પાછીનું લેવા આવનારને ઉભાં ન રહેવા દેવાં. એમ પણ જણાવેલું કે, માગવા અવાતાં એમના પગ ચાલે નહી, અને પગ ચાલે તો મોં ખોલે નહીં તેવા પગલાં લેવામાં આપણે સર્વથા ના-લાયક ઠર્યાં છીએ !
એક સજ્જન મારી જાણમાં છે. તેઓ કામચલાઉ ઉછીનું લેવા આવનારાઓને અનેક બહાનાં બતાવી ના પાડી દે છે. એ કહે છે ઃ ‘જુઓ ભાઈ! તમે પૈસા લેવા આવ્યા છો, પણ કેટલો પરસેવો પડે ત્યારે પૈસો પેદા થાય છે તેની તમને ખબર છે ? મારી પાસે જ નથી, ક્યાંથી આપું?’ ‘કબાટની ચાવી ક્યાંક મુકાઈ ગઈ છે, એટલે થાળી, વાટકા, ચમચીઓ, કપ-રકાબીઓ શી રીતે કાઢવા ’ ‘લોટ, ઘી, ખાંડ અમારે ત્યાં જ થઈ રહ્યાં છે. અમે જ તમારી પાસે લેવા આવવાનું વિચારતાં હતાં, પૈસા આપતાં બજારમાં શું નથી મળતું, તે આમ ઘેર ઘેર શોધવા નીકળવું પડે ? ચીજ ન હોય તેના વિના ચલાવી લેવાની ટેવ પાડશો તો સુખી થશો.’
પણ આપણે સજ્જન રહેવું હોય, એટલે આવું બધું હૈયે હોય, પણ હોઠે લાવીએ શેના ? શું તમે આવા મંદસ્મિત કરી ઉછીનું લેવા આવતા મહાનુભાવોથી હેરાનપરેશાન થાઓ છો ખરા ? મને ભય છે કે, કયાંક તમે પણ એ જમાતના જોગી ન હો !