Western Times News

Gujarati News

શાકમાર્કેટમાંથી મધરાત્રે કોઈ ટામેટાંની બે પેટી ચોરી ગયું

સીસીટીવી ફૂટેજમાં શાકભાજીની ચોરી કરતો એક યુવક કેદ થયો

સુરત, છેલ્લાં એક સપ્તાહમાં ટામેટાના ભાવમાં જબ્બર ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ઊંચા ભાવના કારણે સલાડમાંથી પણ ટામેટાં ગાયબ થઇ ગયા છે ત્યારે હવે ટામેટાંની પણ ચોરી થવા લાગી છે.

વરાછાના શાકમાર્કેટમાંથી મધરાત્રે ૨ વાગ્યાના અરસામાં એક યુવક ટામેટાની બે તથા લસણ, રિંગ-કોબિજની પેટી ચોરી ગયો હતો. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો પ્રમાણે ગતરોજ શહેરના મોટાવરાછા વિસ્તારમાંથી બટાકાના ૧૭ કટ્ટા ચોરાઈ જતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. બટાકાની ચોરી બાદ ટામેટા સહિતના શાકભાજી ચોરાઈ ગયા હોવાનો બનાવ બન્યા છે. વરાછામાં અક્ષર ડાયમંડ પાસે સ્નેહમુદ્રા સોસાયટી નજીક આવેલા શાકમાર્કેટમાં શનિવારે મધરાત્રે ૨ વાગ્યાના અરસામાં ચોરી થઇ હતી.

અહીં એક યુવક ટામેટાની ૧૦ કિલોની એક એવી બે પેટી ચોરી ગયો હતો. સાથોસાથ યુવકે લસણ, કોબિજ અને રીંગણની પણ ચોરી કરી હતી. આ શાકભાજી નજીકમાં રોડ સાઈડે પાર્ક કરેલી રિક્ષામાં મુકી તે ભાગી છૂટ્યો હતો. સ્થાનિક સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો.

જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. શાકભાજી વેપારી સોહનલાલે આ મામલે કાપોદ્રા પોલીસમાં અરજી આપતા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.