મૃતકોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરમાં પૂજા-શાંતિ પાઠ કરવામાં આવ્યા

સોમનાથ, કાશ્મીરમાં પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ નિર્દયતાપૂર્વકના હુમલામાં યાત્રીઓના નિધનના સમાચાર સમગ્ર રાષ્ટ્ર અને માનવ સમાજ માટે ખૂબ જ દુખદાયક છે. આ હ્રદયવિદારક ઘટનામાં મૃત્યુ પામેલ યાત્રીઓની આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના આત્માની શાંતિ માટે આજે શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર મંદિર ખાતે શાંતિપાઠ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા મૃતકોની આત્મ શાંતિ માટે સંકલ્પ લઈને પૂજા સામગ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરાઈ હતી.
આ સમગ્રી દ્વારા પૂજારીશ્રીઓ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. દુઃખી પરિવારોને આ કપરી પરિસ્થિતિમાં ઇશ્વર સહનશક્તિ આપે તેવી પ્રાર્થના સાથે ટ્રસ્ટના પૂજારીશ્રી તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતશ્રીઓ દ્વારા શાંતિપાઠ કરવામાં આવ્યા હતા. આ શોકની ક્ષણમાં સમગ્ર દેશ શોકગ્રસ્ત પરિવારજનોની સાથે ઊભો છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ નિધન પામેલાઓના આત્માઓને મોક્ષ પ્રદાન કરે તથા પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.