Western Times News

Gujarati News

સોમનાથમાં 74 ધ્વજા પૂજા, 58 સોમેશ્વર પૂજા, 795 રુદ્રાભિષેક સહિતના પૂજન કરી ભક્તો ધન્ય થયા

શ્રાવણના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના અવસરે સોમનાથ શિવમય થયું-સાંજના સાત વાગ્યા સુધીમાં 55 હજાર થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા 

સોમનાથ,   શ્રાવણ માસના પાંચમા અને અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પવિત્ર પર્વ પર સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે 4:00 વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટ્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટની સુચારુ દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેક્ટ્રિક કાર્ટ અને વ્હીલચેર, લિફ્ટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓનો લાભ મળ્યો હતો.

સવારે ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી પી.કે.લહેરી સાહેબ દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

શ્રાવણની અમાવસ્યા 2 ભાગમાં આવતી હોય સોમવતી અમાસના અવસરે સોમનાથ મંદિરમાં મોટી માત્રામાં ભક્તો ઉમટ્યા હતા તેમજ પૂજા કાર્યમાં જોડાયા હતા. સોમનાથ મહાદેવની 58 સોમેશ્વર મહાપૂજા, 74 ધ્વજા પૂજા, 795 રુદ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા, સહિતની પૂજા ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલ

શ્રી સોમનાથ મંદિર બહાર ભક્તો માટે ફરાળ અને ભંડારાની ઉત્તમ વ્યવસ્થા હોય તેમ જ શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પણ અતિરિકત વ્યવસ્થાઓ કરાઈ હોય હજારોની સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. યાત્રીઓની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપીને ટ્રસ્ટ દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ થકી સાંજના સાત વાગ્યા સુધીમાં 55,000 થી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કર્યા હતા.

સોમનાથ મહાદેવની સંધ્યા આરતી સમયે મહાદેવને અંદાજિત 200 કિલો જેટલા વિવિધ પ્રકારના પુષ્પો દ્વારા અલંકૃત કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.