સોમનાથની ભૂમિ પર ભગવાન શિવના તાલબદ્ધ ચિત્ર અને તમિલ તંજાવુર કલા સંસ્કૃતિનું સર્જાયુ સહિયારૂ સમન્વય
સોમનાથના ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે યોજાયેલ એક્ઝીબિશનમાં જોવા મળી ગુજરાતી-તમિલ ચિત્રકારોની કલાની પૂરક જુગલબંધી
એકતાલ, નંદિતાલ, ગણેશતાલ, રૂદ્રતાલ, બ્રહ્મતાલ જેવા વિલુપ્ત થતા નવતાલના ચિત્રોનું પ્રદર્શન બન્યુ આકર્ષણનું કેન્દ્ર
रूप भेदः प्रमाणनि भावलावण्य योजनाम् । सादृश्यं वर्णिकाभंग इति चित्रं षडंगकम्।। આ શ્લોકમાં રૂપભેદ, પ્રમાણ, ભાવ, લાવણ્યયોજના, સાદ્રશ્ય અને વર્ણિકાભંગ એમ ચિત્રકળાના છ અંગ વર્ણવવામાં આવ્યા છે. ચિત્રકળાની પરંપરા ખૂબ જ પ્રાચીનકાળથી અસ્તિત્વમાં આવી છે.
ગુજરાતી અને તમિલ સાહિત્યમાં પણ કલાતત્વોનો અનેકરૂપે ઉલ્લેખ છે. ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી અને સાઉથઝોન કલ્ચર સેન્ટર તંજાવુર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સોમનાથના ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે યોજાયેલ એક્ઝીબિશનમાં ગુજરાતી-તમિલ ચિત્રકારોની કલાની પૂરક જુગલબંધી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
તમિલનાડુના કલાકાર એ.કુમારસૈન તંજાવુર કલાના નિષ્ણાંત છે તેઓ પોતાની કલાના માધ્યમથી રાધાકૃષ્ણ, સરસ્વતી, ગણેશ ભગવાન તેમજ શિવના વિવિધ રૂપ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે
અહીં તેમના ૩૦ કરતા વધુ તંજાવુર શૈલીના ચિત્રો પ્રદર્શિત થઈ રહ્યા છે. જ્યારે ગુજરાતી કલાકાર નવીન સોનીના ખંડિતા, સ્વાધીનભૃતુકા, અભિસારીકા, પોષિત ભૃતિકા(જેનો પતિ પરદેશ હોય એવી નાયીકા) વિપ્રલબ્ધ, વાસકસજ્જા, અષ્ટનાયિકા જેવા પૌરાણિક પાત્રોને ધ્યાનમાં લઈ ભાવને દર્શાવતા ચિત્રો અને જીગર સોનીના જપ્તતાલ, એકતાલ, નંદિતાલ, ગણેશતાલ, રૂદ્રતાલ, બ્રહ્મતાલ જેવા વિલુપ્ત થતા નવતાલના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં પોતાની કલા યોજવાની તક મળવા બદલ નવીનભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગુજરાતી અને તમિલ ચિત્રકળાના હાર્દમાં લોક અને શ્લોકનો મેળાપ એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ. આ કળાના માધ્યમથી એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે પૂરક ભાવ પ્રગટ થશે અને વધુમાં વધુ લોકો આ કળા તેમજ એકબીજાની સંસ્કૃતિ વિશે જાણશે. જ્યારે
તમિલનાડુના કલાકાર એ.કુમારસૈને પોતાનો પ્રતિભાવ આપતા તમિલનાડુથી શિવની ભૂમિ સોમનાથ પર સૌરાષ્ટ્રના લોકો સમક્ષ પોતાની કળા બતાવવાની તક મળી એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.