સોમનાથ મહાદેવને શ્રાવણ વદ ચૌદશ પૂર્વે ભસ્મ શૃંગાર કેમ કરવામાં આવે છે?
ધર્મ શાસ્ત્રો અનુસાર બધા દેવી દેવતાઓ પાસે પોતપોતાના લોક છે અને ત્યાં તેઓ ખૂબ જ અપાર સંપત્તિ અને વૈભવ વચ્ચે સિંહાસન પર બેસે છે. પરંતુ દેવોના દેવ મહાદેવ જ એક એવા છે જે માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત ની ઠંડી ગુફામાં બેસે છે અને ફક્ત મૃગચર્મ અને ભસ્મ ધારણ કરે છે.
શિવપુરાણ અનુસાર ભગવાન શિવ તમામ દેવતાઓથી અલગ છે. તેમની ઉત્પત્તિ અને અંત અંગે કોઈ ઉલ્લેખ નથી. માટે જ તેમને અજન્મા અનાદી કહેવાય છે. તેઓ ભોળાનાથ પણ છે અને નટરાજ પણ છે. ભગવાન શિવની રહેણીકહેણી તમામ દેવતાઓ કરતા સાવ અલગ છે. શાસ્ત્રોમાં જ્યાં તમામ દેવી દેવાતાઓ સુંદર વસ્ત્રાભૂષણોથી અલંકૃત કહેવામાં આવ્યા છે ત્યારે શિવ ફક્ત એક ચર્મ અને ભસ્મ સાથે કપાલોની માળા ધારણ કરનાર વર્ણવાયા છે. નાગને ગળામાં વિંટાળી ફરે છે.
ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે શિવ પહેલાથી જ ભસ્મ નહોતા લગાવતા પરંતુ તેમની પત્ની પાર્વતી જે પૂર્વ જન્મમાં પ્રજાપતિ દક્ષ ની પુત્રી માતા સતિ સ્વરુપે પ્રગટ્યા હતા. પરંતુ પોતાના જ પિતાના યજ્ઞમાં પતિ શિવનું અપમાન થતા જોઈ સતિએ યોગાગ્નિ દ્વારા પોતાના શરિરનો નાશ કર્યો.
જેથી ક્રોધિત શિવ ત્રણેય લોકોમાં તેમના સતિના શરીરને લઇ ફર્યા અને ત્યાર પછી જ તેમણે આ ચિતા ભસ્મને પોતાના શરીર પર લગાવી. આ સમયથી શિવજીના શ્રૃંગાર માટે ભસ્મ લગાવવાનો રિવાજ છે. માનવામાં આવે છે કે ત્રેતા યુગ, સત યુગ , દ્વાપર યુગ અને કલિયુગ આ ચારેય યુગોના અંતે સૃષ્ટિનો વિનાસ નિશ્ચિત જ છે.
અંતમાં તમામ વસ્તુઓ રાખ થઈ જાય છે. શિવપુરાણ અનુસાર આ રાખ એટલે કે ભસ્મ જ સૃષ્ટીનો સાર છે. તે એ છે કે ગમે તેટલી મજબૂત કે શક્તિશાળી વસ્તુનો પણ અંત જરુર આવે છે. તેમજ પ્રલયના દેવ છે શિવજી તેથી ભસ્મ પોતાના અંગ પર લગાવે છે અને સંકેત આપે છે કે એક દિવસ બધુ જ તેમનામાં વિલિન થઈ જવાનું છે.