આપના રેવડી કલ્ચર સામે સી. આર. પાટીલના આકરા પ્રહાર
(એજન્સી)સોમનાથ, ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જાેર લગાવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસનું સમીકરણ બગડી શકે છે ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપના રેવડી કલ્ચર પર નિશાન સાધી રહ્યા છે.
આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની મુલાકાતે હતા. જ્યાં તેમણે ઉનામાં સિનેમાનું ઉદઘાટન કરી જંગીસભાને સંબોધન કર્યું હતું.
સી આર પાટીલે ભાષણ દરમિયાન કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને નિશાને લેતા કહ્યું હતું કે હવે વિકાસ નહી કોગ્રેસ ગાંડી થયેલ છે. સોનીયા ગાંધીનુ રીમોટ તૂટયું છે. ૨૭ વર્ષથી કોગ્રેસને ગુજરાતમાંથી જાકારો મળ્યો છે. અને આ વખતે પણ જનતા કોંગ્રેસને જાકારો આપશે. કોગેસનો કુંવર જ્યા જાય છે ત્યા હારે છે.
તો બીજી તરફ આપના રેવડી કલ્ચર પર પણ ફરી પ્રહાર કરતાં કહ્યું હતું કે તમારા મોબાઇલમાં ગેરંટી આપે છે, મોદી જે કહે છે તે કરે છે અને કર્યુ પણ છે. ગુજરાતમાં સત્તા મેળવવા આપ પાર્ટી જનતાને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતમાં પાંચ લાખ સરકારી કર્મચારી તેમજ અધિકારીઓ છે.
આપવાળા કહે છે કે હું ૧૦ લાખ લોકોને નોકરી આપીશ.બધી ભરાયેલી છે તો ૧૦ લાખને નોકરી કેવી રીતે આપશે તે મોટો સવાલ છે. પણ બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. ગીર સોમનાથના પ્રવાસ દરમિયાન બેટ દ્વારકામાં ડીમોલેશનની કામગીરી મામલે પણ સી આર પાટીલે નિવેદન આપ્યું હતું.
અને કહ્યું હતું કે સરકારે દ્વારકામાં મોટું ડીમોલેશન હાથ ધર્યું છે. અનેક ગેર કાયદેસર બાંધકામો તોડી પડાયા છે. દ્વારકા કૃષ્ણની નગરી છે, ત્યાં બીજું કંઈ ન હોય, આ સાથે જ ભાજપ કાર્યકર્તા અને લોકોને અપીલ કરી હતી કે સરકાર અને તંત્રનો સોશિયલ મીડિયા દ્વારા આભાર વ્યક્ત કરાય તેવી કામગીરી ત્યાં કરવામાં આવી છે.