શ્રી સોમનાથ મંદિર ખાતે અધિક શ્રાવણની માસિક શિવરાત્રી પર ભાવિકો શિવભક્તિમાં લીન થયા
ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઇ દેસાઈ, કથાકાર શ્રી ભાવિનભાઈ રાવલ,પૂર્વ માહિતી કમિશનર શ્રી દિલીપભાઈ ઠાકર સહિત મહાનુભવોના હસ્તે જ્યોતપુજન કરવામાં આવ્યું
સોમનાથ તા.15/08/2023- ચૈત્ર કૃષ્ણ તેરસ સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રીની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અધિક શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 વાગ્યે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું.
આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, કથાકાર શ્રી ભાવિનભાઈ રાવલ,પૂર્વ માહિતી કમિશનર શ્રી દિલીપભાઈ ઠાકર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો તેમજ ભક્તજનો જોડાયા હતા.
અધિક શ્રાવણ પર શિવરાત્રીના અવસરે રાત્રે 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર કરવામાં આવતી આ મહાઆરતી સ્થાનિક તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આજે પણ હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં “હર હર ભોલે, જય સોમનાથ”ના નાદ સાથે મહાઆરતીમાં જોડાયા હતા. સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની આ મહાઆરતી શ્રદ્ધાળુઓને વિશેષ ઉર્જા અને અલભ્યતાનો અનુભવ થાય છે.
રાત્રિના મહાઆરતી સમયે મંદિર સભા મંડપમાં તેમજ મંદિરના પટાંગણમાં આરતી દરમિયાન શ્રદ્ધાળુઓ શિવ તત્વમાં લીન થયા હતા. ત્યારે શ્રદ્ધાળુઓની સુવિધામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્લોકરૂમ, શુ-હાઉસ, સિનિયર સિટીઝન માટે ગોલ્ફકાર્ટ સહિતની સુવિધાઓની સમય અવધી રાત્રિના 1 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જેથી શ્રદ્ધાળુઓ માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવની મહા આરતીના અને અલભ્ય સ્વરૂપના દર્શન નિશ્ચિંત પણે કરી શકે છે.