દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને હવે કોઈપણ ભક્ત ભૂખ્યું નથી જતું
સોમનાથના નિ:શુલ્ક ભોજનાલયમાં દરેક ભક્તને સન્માન સાથે પીરસાય છે,- શુદ્ધ અને સાત્વિક ભોજન..ભકતો સ્વાદિષ્ટ ભોજન સાથે માણે છે શ્લોકો અને ભક્તિ સંગીતનો આનંદ..
રોજના હજારો યાત્રીઓ સોમનાથનો ભોજન પ્રસાદ લઈ ધન્ય બને છે..
સોમનાથ, હિંદુ ધર્મના આસ્થા સ્તંભ સમાન દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના પ્રથમ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે કરોડો પ્રવાસીઓ દર વર્ષે સોમનાથ યાત્રાધામની મુલાકાત લે છે. ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથના દર્શને આવતા પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના દ્વારા બનાવવામાં આવેલ પ્રવાસી સુવિધા કેન્દ્ર હોય કે પછી સોમનાથ ટ્રસ્ટના વિશાળ અતિથિગૃહો હોય,આવી અનેક સુવિધાઓ યાત્રીઓના પ્રવાસને વધુ સુલભ અને આનંદપ્રદ બનાવે છે. દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી અને અને ટ્રસ્ટના અધ્યક્ષ
શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શન હેઠળ, સોમનાથ ટ્રસ્ટે દરેક યાત્રીકો માટે લાભદાયી નિશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરી છે. આમ તો સોમનાથ ટ્રસ્ટ તેના તમામ ભોજનાલયોમાં સૌથી ઓછા ખર્ચે શુદ્ધ સાત્વિક ભોજન પીરસે છે. પરંતુ અધ્યક્ષ શ્રી નરેેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટે યાત્રી સુવિધાઓમાં એક ડગલું આગળ વધીને સોમનાથ આવતા તમામ યાત્રિકોને નિશુલ્ક ભોજન આપવાની વ્યવસ્થા શરૂ કરી છે.
સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી કરોડો યાત્રિકો આવે છે. સોમનાથ યાત્રાધામને કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય ટ્રેન નેટવર્ક સાથે એવી રીતે જોડવામાં આવ્યું છે કે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ન્યૂનતમ ખર્ચમાં સરળતાથી સોમનાથ આવી શકે છે. સાથે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ સોમનાથ ને ધનિષ્ઠ બસ નેટવર્ક સાથે જોડવામાં આવ્યું છે.
જેથી દેશ ભરમાંથી શ્રદ્ધાળુઓ સરળતાથી સોમનાથ પહોંચી શકે છે. સોમનાથ દર્શને આવતા ભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અને આ તમામ સુવિધાઓમાં વધુ એક કદમ આગળ જઈને ટ્રસ્ટ દ્વારા શરુ કરાયેલી નિશુલ્ક ભોજન વ્યવસ્થા યાત્રિકોની યાત્રાને વધુ આર્થિક રીતે સુવિધાજનક બનાવે છે.
સોમનાથના ભોજનાલયમાં સ્વચ્છતા, ગુણવત્તા અને સન્માન ના ધોરણો…
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મફત ભોજનશાળામાં સ્વચ્છતા, ગુણવત્તા અને આદરને મૂળ મંત્ર બનાવવામાં આવ્યા છે. ભોજનશાળાના રસોડા અને ડાઇનિંગ રૂમમાં દિવસભર સફાઈ શરૂ રહે છે જેથી યાત્રિકોને સ્વચ્છ વાતાવરણ મળી શકે. વધુમાં, સમગ્ર સ્ટાફને સ્વચ્છતા ઉત્પાદનોનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ટ્રસ્ટ દ્વારા ભોજનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભોજન સેવાનો લાભ લેતી વખતે ભક્તો સાથે આદરપૂર્વક વર્તન માટે કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે.
સોમનાથ ભોજન સેવામાં સ્વચ્છતાને પ્રાધાન્ય..
નિશુલ્ક ભોજનાલયની તમામ વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે હેન્ડ ગ્લવ્ઝ અને હાઈજિન પ્લાસ્ટિક કૅપ પહેરવાનું ફરજિયાત છે. ખાવાના વાસણો, રેસ્ટોરન્ટ કાઉન્ટર, ટેબલ ફ્લોર, આ બધું દિવસમાં ઘણી વખત સાફ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં પગ મૂકતાં જ સ્વચ્છતાનો અનુભવ થાય છે, અને સતત સફાઈને કારણે સ્વચ્છ વાતાવરણ દિવસભર જળવાઈ રહે છે.
સોમનાથના ભોજન પ્રસાદમાં ગુણવત્તા ભોજનાલયમાં રસોઈઘરમાં આવતા શાકભાજી લીલા અને તાજા હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ભોજન પ્રસાદ બનાવવા માટે કેન્દ્ર સરકાર ની માનક સંસ્થા fssai દ્વારા પ્રમાણિત કંપનીએ બનાવેલ માત્ર A ગ્રેડના રાશનનો જ ઉપયોગ થાય છે. રસોડામાં વપરાતા મસાલા ગુણવત્તાયુક્ત સાથે સાત્વિક રાખવામાં આવે છે. જેથી યાત્રિકોને સોમનાથમાં ખરા અર્થમાં “ભોજન પ્રસાદ” ગ્રહણ કર્યાનો અનુભવ થાય છે.
સોમનાથમાં દરરોજ હજારો યાત્રિકો આવે છે, આવી સ્થિતિમાં તમામ યાત્રીકોને ગરમ ભોજન મળી રહે તે માટે ભોજનાલયમાં બે ઈલેક્ટ્રીક રોટી મેકર મશીન મુકવામાં આવ્યા છે. રોટલી નો લોટ ગુંદવા માટે પણ ઇલેક્ટ્રિક મશીન વસાવાય છે. આ મશીનો પ્રતિકલાક હજારો રોટલી બનાવી શકાય છે જેથી ભોજનનો પ્રસાદ લેતા ભાવિકોને ક્યારેય રાહ જોવી પડતી નથી. દાળ, શાકભાજી, શીરો આવી વસ્તુઓ અનુભવી રસોઈયા દ્વારા પ્રવાસીઓ માટે વિશાળ વાસણોમાં બેચ મુજબ તૈયાર કરવામાં આવે છે. જેના કારણે ભોજનનો પ્રસાદ લેવા આવતા મુસાફરોને હંમેશા તાજું અને ગરમ ભોજન મળે છે.
ભોજનાલય વિના મૂલ્યે હોવાથી સંસ્થા અને કર્મચારીઓ પર યાત્રીઓ સાથે ઉત્કૃષ્ટ વર્તન રાખવાની વિશેષ જવાબદારી આવે છે. આવનાર યાત્રીઓ સાથે ઉત્તમ વર્તન સુનિશ્ચિત કરવા માટે સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. ભોજન લેનારા યાત્રીઓને સંપૂર્ણ સન્માન આપવામાં આવે અને તેઓને ભોજન સેવા ફ્રી હોવાથી લેશ માત્ર સંકોચ ન થાય તે રીતે યાત્રીઓને જોઈએ તેટલું ભોજન સન્માન સાથે પીરસવામાં આવે છે. ભોજન પીરસનાર કર્મચારીઓ આવનાર યાત્રીઓ સાથે પૂરા આદર સાથે વર્તે છે.
ભોજન સાથે ભક્તિ સંગીતનો આનંદ
સમગ્ર ડાઇનિંગ હોલમાં ભોજન લેતા યાત્રીઓને શાંત ભક્તિ સંગીત અને પવિત્ર શ્લોકો સાંભળવા મળે છે. જે ભોજનનો પ્રસાદ લઈ રહેલા મુસાફરોને પવિત્રતાની અનુભૂતિ કરાવે છે.
ભોજનાલયમાં ભોજનનો પ્રસાદ લેતા મુસાફરો માટે ટેબલ અને ખુરશીની પર્યાપ્ત વ્યવસ્થા છે, પરંતુ ભારતીય શૈલીમાં બેસીને ભોજન લેવા માંગતા મુસાફરોની માંગણી ને ધ્યાનમાં રાખીને હોલમાં આસન સાથે ભારતીય શૈલીના ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
ટ્રસ્ટની નિશુલ્ક અન્ન સેવા દેશ વિદેશમાં વખણાઈ રહી છે. જેનાથી પ્રભાવિત થઈને સોમનાથ મહદેવના ભક્તો ખાસ કરીને ભોજન સેવા માટે અનુદાન આપવા ઈચ્છતા હતા.સોમનાથ ટ્રસ્ટે તેમની ભાવનાઓને સન્માન આપીને નિશુલ્ક ભોજન સેવા માટે અનુદાન ઇચ્છુકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે.
જેમાં તિથિ અન્ન અનુદાન -1100, એક દિવસનું અન્નદાન-11,000, અઠવાડિયા માટે સ્વજન સ્મૃતિ ભોજન -41,000, એક મહિના માટે ભોજન અનુદાન-1,11,000 રાખવામાં આવ્યું છે. ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબ સાઈટ www.somnath.org દ્વારા અથવા ચેક અને બેંક ટ્રાન્સફર દ્વારા ભોજન સેવા માટે અનુદાન મોકલી શકે છે.
તો આ રીતે સોમનાથમાં નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા ભક્તોના પ્રવાસને વધુ સરળ અને પોકેટ ફ્રેન્ડલી બનાવી રહી છે. નિશુલ્ક ભોજન સેવા ની ગુણવત્તા ને રાજ્યના ખ્યાતનામ લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તેમજ હાસ્ય કલાકાર શ્રી જીતુભાઈ દ્વારકા વાળા સહિત અનેક લોકો દ્વારા અનુભવીને અન્ય યાત્રીઓને પણ આ ભોજન સેવાનો લાભ લેવા આગ્રહ કરાયો છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેવા સ્નેહપૂર્વક અનુરોધ કરે છે. કારણ કે અહીં માત્ર ભોજન નથી મળતું, અહી મળ છે સોમનાથ મહાદેવનો “ભોજન પ્રસાદ