પસાર થઈ રહેલા વરઘોડા ઉપર પાણી પડતા હોટલમાં ઘુસી જાનૈયાઓએ મારામારી કરી

પ્રતિકાત્મક
હોટલ-માલિક પિતા પુત્રને ધોકાવ્યાઃ સાત શખ્સો સામે ગુનોં નોંધાયો
વેરાવળ, સોમનાથના ત્રણ દીવસ પૂર્વે રાત્રીના નીકળેલા વરઘોડા દરમ્યાન જાનૈયાઓને પર એક હોટલમાંથી પાણી પડતા જાનૈયા ઉશ્કેરાયા હતા અને હોટલમાં ઘુસી હોટલ માલીક પિતા-પુત્ર પર હુમલો કરતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે સાત જાનૈયાઓને સામે ગુનો નોધી પોલીસ પાંચની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છેકે, સોમનાથ મંદીર નજીક આવેલ ભોયવાડામાં હોટલ ભોલા પાસેથી એક લગ્નનો વરઘોડો પસાર થતો હતો ત્યારે હોટલના રૂમ નં.૧૦૭માં રહેલા કોઈ પ્રવાસી દ્વારા પાણી ફેકવામાં આવેલ અને વરઘોડામાં લોકો પર પડયું હતું. આથી જાનૈયાઓ ઉશ્કેરાયા હતા અને જાનૈયાનું ટોળું હોટલમાં ઘુસી ગયું હતું.
અને ઝઘડો કરી હોટલ માલીક અનીલ ચાવડા અને તેના પુત્ર અજય પર હુમલો કર્યો હતો અને હોટલમાં કાઉન્ટર પર બેઠેલા સ્ટાફના શબ્બીર નામના કર્મચારીને મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા
અને ઘવાયેલા પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસ હોટલ માલીક અનીલ ચાવડાની ફરીયાદ પરથી સોમનાથના મિતેશ ચુડાસમા, નરેશ ઉર્ફે લાલકો વાઘેલા, નરેશ વાઘેલા જીજ્ઞેશ વાઘેલા માનવ મજેવડીયા કિશન ઉર્ફેકૌશલ વાઘેલા અને જય વાઘેલા સહીત સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અને પાંચ શખ્સની ધરપકડ કરી હતી.