સોનુ કક્કડે ભાઈ-બહેન નેહા અને ટોની સાથે સંબંધો તોડ્યાં

મુંબઈ, સોનુ કક્કડ, ટોની અને નેહા કક્કડ આ ત્રણે ભાઈ બહેન સંગીતની દુનિયામાં ઘણાં જાણીતાં છે, તેઓ અનેક કોલબરેશન અને શોમાં પણ સાથે પર્ફાેર્મ કરી ચૂક્યા છે. ત્યારે સોનુ કક્કડની એક સોસિયલ મીડિયા પોસ્ટે તેમના ફૅન્સને આંચકો લગાવ્યો છે.
તેણે જાહેર કર્યું છે કે તે હવે તેનાં નાનાં ભાઈ-બહેન ગાયક નેહા કક્કડ અને મ્યુઝિક કમ્પોઝર ટોની કક્કડની બહેન નથી. તેનાથી આ ત્રણેયના ફૅન્સ આશ્ચર્ય સાથે આઘાતમાં સરી પડ્યાં છે. આ પોસ્ટના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ અને તર્ક વિતર્ક પણ શરૂ થઈ ગયાં છે.
ખાસ તો ટોની કક્કડનો ૯ એપ્રિલે જન્મદિવસ હતો, તેની ઉજવણીમાં સોનુ હાજર નહોતી. ત્યારથી ઘણા પ્રસંશકોમાં તેની ગેરહાજરી અંગે ઉત્સુકતા અને પ્રશ્નો હતા. તેનાં બે જ દિવસમાં સોનુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું, “આપ સૌને જાણ કરતાં અતિશય આઘાત અનુભવું છું, કે હવેથી હું બે ટેલેન્ટેડ સુપરસ્ટાર્સ ટોની કક્કડ અને નેહા કક્કડની બહેન નથી.
મારી લાગણી અતિશય દુભાયા પછી આ નિર્ણય લેવો પડ્યો છે, આજે હું ખુબ જ વ્યથિત છું.”સોનુએ ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર પર આ પોસ્ટ શેર કરી હતી અને જેવી તેણે આ પોસ્ટ શેર કરી કે તરત જ વાયરલ થઈ ગઈ હતી.
ઘણા લોકોએ સોનુના આ નિર્ણય પર શંકા પણ વ્યક્ત કરી હતી, તો કોઈએ આ નિવેદનની ખરાઈ અંગે પણ શંકા વ્યક્ત કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, “બહેન વિના ટોનીને સુપરસ્ટાર ગણે છે કોણ? આ પરિવાર સાથે શું થઈ રહ્યું છે, એની તમે ક્યારેય કલ્પના પણ ન કરી શકો.
તેમના આગામી મ્યુઝિક આલ્બમ માટે આ કોઈ પીઆર સ્ટંટ પણ હોઈ શકે છે.” તો કોઈએ સોનુની પોસ્ટમાં ટેલેન્ટેડ અને સુપરસ્ટાર જેવા શબ્દો પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. જોકે, આ પોસ્ટ પર નેહા કે ટોનીમાંથી કોઈએ પ્રતિસાદ આપ્યો નહોતો.
તેમજ આ પોસ્ટ પાછળનું કોઈ ચોક્કસ કારણ પણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, થોડાં વખત પહેલાં એક ઇન્ટરવ્યુમાં સોનુ કક્કડને કહ્યું હતું, “હું ખરેખર નેહા અને ટોની માટે બહુ ગૌરવ અનુભવું છું, મને ક્યારેય કોરાણે કરી દેવાઈ હોય એવું લાગ્યું નથી. જે મહેનત કરે એને સફળતા મળે જ છે. મને પણ એ જ રીતે મળી છે. હું ખુશ રહું છું, તેથી મને દરરોજ સફળતા મળે છે. મારા માટે સફળતાની વ્યાખ્યા જ ખુશી અને આનંદ છે.”SS1MS