Western Times News

Gujarati News

નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું

ધોળકા સ્થિત બદરખા ગામના વતની અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય શૈલેષભાઇ પટેલનો 2જી જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો.

SOTTO હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટના

છેલ્લા 10 દિવસમાં SOTTO  અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલે પ્રશંસનીય કામગીરી કરી અંગદાન કેવી રીતે થાય છે?   બ્રેઇનડેડ થયેલી વ્યક્તિના અંગોનું દાન થઈ શકે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનેલા એક હૃદયસ્પર્શી બનાવમાં સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ એક નિરક્ષર બહેને તેના બ્રેઇનડૅડ પતિના અંગોનું ૩ દર્દીઓને દાન કર્યું છે. સમાજના ભણેલા-ગણેલા, સમજદાર – શિક્ષિત અને સાધનસંપન્ન લોકોનું માથું પણ શરમથી ઝૂકી જાય તેવું માનવસેવાનું આ ઉદાહરણીય અને ઉમદા કાર્ય આવનારા લાંબા સમય સુધી અન્ય કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

અંગદાનની તીવ્ર જરૂરિયાત ધરાવતા આવા જરૂરિયાતમંદ દર્દીઓ પણ સામાન્ય માણસની જેમ ખુશીથી જીવી શકે તે માટે ગુજરાતની શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળની સંવેદનશીલ-નિર્ણાયક સરકારે સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ બ્રેઇનડૅડ થયેલ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરાવીને તેમને ખુશહાલ જીવન પ્રદાન કરવાનો માનવ સેવાનો યજ્ઞ છેડ્યો છે અને હવે આ પ્રયાસોના સુંદર પરિણામ પણ મળવા લાગ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ૧૦ દિવસમાં SOTTO અંતર્ગત બે વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી ૪ લોકોમાં અંગોનું પ્રત્યારોપણ થયું છે.

અત્રે ખાસ નોંધનીય છે કે કોઇ પણ વ્યક્તિના અંગોનું દાન મેળવતા પૂર્વે વિવિધ ટૅસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે. આ પ્રક્રિયા બાદ જ અંગોનું દાન થઈ શકે છે. આ કારણોસર છેલ્લાં ૧૦ દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે સફળતા મેળવી છે તે તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર કહી શકાય છે.

આખી ઘટના એવી છે કે મૂળ ધોળકા સ્થિત બદરખા ગામના વતની અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય શૈલેષભાઇ પટેલનો 2જી જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતા શૈલેષભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં.

અહીંના તબીબોએ શૈલેષભાઇની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા. ત્યારબાદ જે બન્યુ તેણે સમગ્ર રાજ્ય માટે અવિસ્મરણીય અને પ્રેરણારૂપ ઉદાહરણ બન્યું છે.

શૈલેષભાઇના પત્ની રેખાબેન નિરક્ષર છે અને તેમનું દસ વર્ષીય બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે તેમજ એક દીકરી સાક્ષી ઘોરણ 10માં અભ્યાસ કરે છે. આવા કપરા સમય અને કપરી પરિસ્થિતિમાં પણ રેખાબહેને મક્કમતાથી કામ લીધું અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત SOTTO હેઠળ પતિના અંગોનું અંગદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ રેખાબહેને પતિના અંગોનું દાન કરવાનો માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો.

શૈલેષભાઇ પટેલ બ્રેઇન ડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ ગામમાં રહેતા તેમના કુટુંબ સાથે પણ ચર્ચા -વિચારણા કરીને અંગદાન માટે સહમતિ દર્શાવી હતી. શૈલૈષભાઇના પરિવાર દ્વારા લેવાયેલ અંગદાનના નિર્ણયને બદરખા ગામના સમગ્ર ગ્રામજનોએ આવકાર્યો અને બિરદાવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે નવનિર્મિત ઓપરેશન થિયેટરના રીટ્રાઇવ સેન્ટરમાં અંગદાનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

શૈલેષભાઇના પરિવારજનો કહે છે કે શૈલેષભાઇનું જીવન ખૂબ જ સંધર્ષમય રહ્યુ છે. સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓ જનઉપયોગી કાર્યો કરતા રહ્યા. અમારા સમગ્ર કુટુંબીજનો દ્વારા શૈલેષભાઇના અંગદાન થકી તેઓને સમાજઉપયોગી બનવા અને અન્યના શરીરમાં જીવંત રાખવા અન્યની કાર્યદક્ષતા સુધારવા ઉપયોગી બનવા નિર્ણય કરવામાં આવ્યો હતો. અમારા બદરખા ગામ અને સમાજ માટે શૈલેષભાઇ જતા જતા પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.

શૈલેષભાઇના અંગદાન થકી પોરબંદરના ૧૦ વર્ષીય બાળકને કિડની, અમદાવાદના બાવીસ વર્ષીય જરૂરિયાતમંદ દર્દીને કિડની અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાવન વર્ષીય અત્યંત જરૂરિયાતમંદ દર્દીને લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

શૈલેષભાઇના શરીરના અંગોના પ્રત્યારોપણ કરીને આ ત્રણેય દર્દીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.શૈલેષભાઇની બે આંખોની અમદાવાદ મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત આંખની હોસ્પિટલમાં સંગ્રહ  રાખવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે તેની પણ પ્રત્યારોપણ કરવામાં આવશે. નિરક્ષર રેખાબહેનના આ ઉમદા નિર્ણયથી આવનારા સમયમાં આ ત્રણેય દર્દીઓની જીવનની ગુણવત્તામાં વધારો થશે.

સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ.જે.વી.મોદી કહે છે કે “સંવેદનશીલ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિના સતત અને પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૦ દિવસમાં SOTTO અંતર્ગત અંગદાનની જવલંત સફળતા મળી છે. રિટ્રાઇવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.

વધુમા વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતી આવે અને આ અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યોરોપણ થાય અને તેમના જીવનની ગુણવત્તા, કાર્યક્ષમતામાં વધારો થાય તે દિશામાં અમારી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ છે”, એમ ડો. મોદીએ જણાવ્યું હતું.

કોઇના દર્દથી મુરઝાયેલા ચહેરા પર મુસ્કાન રેલાવવી એક માનવસેવાનું કાર્ય છે. ગુજરાતની સંસ્કૃતિમાં તો માનવસેવા અને દાનપુણ્યનો વિશેષ મહિમા છે. ૨૧મી સદીમાં તો કોઇને અંગોનું દાન કરીને જીવન પ્રદાન કરવું એ ખુબ જ મોટું સત્કર્મ ગણવામાં આવ્યું છે.

ખાસ કરીને જેના શરીરનું કોઇ અંગ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી વ્યક્તિના જીવનમાં તો સાવ સાદી ખુશી પણ લક્ઝરી આઇટમ સમાન હોય છે. આજના આધુનિક સમયમાં ગુજરાતની સંવેદનશીલ સરકારના પ્રયાસોના લીધે અંગદાન હવે વધુ સરળ બન્યું છે તેવા સમયે હવે સમાજમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ વધે તે આજની ઘડીની આવશ્યક્તા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.