SOUના આગણે ઇન્ડીયા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત ત્રિદિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ ૨૦૨૦ નો આજથી થયેલો પ્રારંભ
રાજપીપલા:- આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ.જયશંકર, રાજ્યસભાના સભ્યશ્રી અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્યશ્રી સુરેશ પ્રભુ, માલદીવના પીપલ્સ મજલીસના સ્પીકરશ્રી મોહંમદ નાશીદ, ઇન્ડીયા ફાઉન્ડેશનના કારોબારી સભ્યશ્રી શોર્ય ડોવાલ સહિત દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્ડીયા ફાઉન્ડેશ દ્વારા કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ટેન્ટસીટી નં.૨ ખાતે “Turning to Roots-Rising to heights” થીમ પર આજથી યોજાયેલી ત્રિ-દિવસીય ૬ ઠ્ઠા વાર્ષિક ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ-૨૦૨૦ ને ખૂલ્લી મૂકાઇ હતી.
રાજ્યસભાના સભ્યશ્રી અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્યશ્રી સુરેશ પ્રભુએ પ્રારંભમાં તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ફાઉન્ડેશનની કામગીરી સાથે ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ ની રૂપરેખા આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કોન્કલેવને દ્રષ્ય-શ્રાવ્ય માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ગુજરાતની આ ભૂમિ ઉપર સૌને આવકારી આ કોન્કલેવની સફળતાની શુભકામના પાઠવી હતી. તેમણે આ કોન્કલેવ માટે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધરતીના સ્થળ પસંદગી બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ.જયશંકર, માલદિવની પીપલ્સ મજલીસના સ્પીકર શ્રી મોહંમદ નાશીદ વગેરેએ તેમના પ્રસંગોચિત વક્તવ્યો આપ્યાં હતાં
આ પ્રસંગે કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ એસ. જયશંકર અને માલદીવની પીપલ્સ મજલીસના સ્પીકર શ્રી મોહમંદ નાશીદના હસ્તે ઇન્ડીયા ફાઉન્ડેશન સ્વરાજય એવોર્ડ અંતર્ગત દેશના ૧૫ મા નાણાંપંચના અધ્યક્ષશ્રી એન.કે.સિંધને ર્ડો.બી.આર. શિનોય એવોર્ડ, આસામાના મુખ્યમંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલને ડૉ. એસ.પી. મુખર્જી એવોર્ડ એનાયત કરી બહુમાન કરાયું હતું. તદ્દઉપરાંત રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કે. પરાશરનને શ્રી નારાયણગુરૂ એવોર્ડ તેમજ ફિલ્મ નિર્દેશક શ્રી ભરત બાલાને ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન એવોર્ડ ઘોષિત કરાયા હતા. એવોર્ડથી સન્માનિત ઉપસ્થિત એવોર્ડ વિજેતાઓએ સન્માનના પ્રત્યુતરમાં તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી ડૉ. રાજીવ ગુપ્તાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરીને કોન્કલેવમાં ભાગ લઇ રહેલા પ્રતિનિધિશ્રીઓને જરૂરી જાણકારી પુરી પાડી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજથી પ્રારંભાયેલા અને તા. ૧ લી માર્ચ,૨૦૨૦ સુધી ચાલનારા ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવના આ ૬ ઠ્ઠા વાર્ષિક ત્રિદિવસીય બૌધ્ધિક સમેલનમાં ભારતીય જીવન દ્રષ્ટિ અને વિચાર અને તેના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર વિભિન્ન વિષયોના નિષ્ણાંત ધ્વારા વાર્તાલાપ યોજાશે. આ સંમેલનમાં દેશ-વિદેશથી બુધ્ધિજીવી પ્રતિષ્ઠિત નાગરીકો અને વિષય નિષ્ણાંતો ડેલીગેટ તરીકે ભાગ લઇ રહયાં છે.
આસામના મુખ્યમંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલએ ઉકત ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવના કાર્યક્રમ અગાઉ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતના શિલ્પિ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી ધન્યતા અનુભવી હતી.