Western Times News

Gujarati News

SoUની ખાતે પ્રોજેક્ટસ થકી ૧૦ હજારથી વધુ રોજગારી પુરી પાડવાનું કાર્ય સરકારે કર્યું છે : જિલ્લા કલેકટર

રાજપીપલા: રાષ્ટ્રના ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગઇકાલે  નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકે નવરચના હાઇસ્કૂલ સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી.

ત્યારબાદ શ્રી કોઠારીએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, હોમગાર્ડઝ, એન.સી.સી. વગેરે જેવી પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. સાગબારા ખાતે ખીચોખીચ વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં શ્રી કોઠારીએ જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ વિશાળ સંખ્યામાં ઉમટેલી માનવમેદનીએ સંબોધતાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષોએ તેમના જીવનની આપેલી આહુતિ અને યોગદાન ભારતના ઇતિહાસમાં અમર રહેશે.

શ્રી કોઠારીએ નાગરિકોને એકતા-સમભાવ-સમાનતા અને સદભાવનાની પ્રતિબધ્ધતા સાથે રાષ્ટ્ર ઘડતરમાં શાસનના સહયોગી અને વિકાસ પ્રક્રિયામાં સહભાગી બની “એક ભારત શ્રેષ્ઠ ભારત” નિર્માણની દિશામાં સંકલ્પબધ્ધ થવાનો ખાસ અનુરોધ કરતા ઉમેર્યુ હતું કે, ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે, ત્યારે જિલ્લાના સર્વાંગી વિકાસ થકી પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવી મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે પ્રજાના સર્વાંગી કલ્યાણ માટેના પ્રયાસોમાં પરસ્પર સદભાવ માટે પ્રેરક બનીને આજના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક બનાવવાની દિશાના “ટીમ નર્મદા” ના પ્રયાસોમાં સૌ કોઇને સહયોગ-યોગદાન આપવા માટે તેમણે આહવાન કર્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ  નર્મદા જિલ્લા માટે યશકલગી સમાન કેવડીયા ખાતે સરદાર વલ્લભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા  વિશ્વની આઠમી અજાયબીમાં સ્થાન મેળવીને વિશ્વના પ્રવાસન નકશામાં નર્મદા જિલ્લો અંકીત થવાના વધામણા સાથે સૌ દેશવાસીઓ અને નર્મદા જિલ્લાના પ્રજાજનોને ગૌરવપૂર્વક અભિનંદન પાઠવતાં જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ  જણાવ્યું હતુ કે, જિલ્લાની પ્રાકૃતિક વનસંપદાએ પણ નર્મદા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ગૌરવ બક્ષ્યુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશના ખૂણેખૂણેથી અને સમગ્ર વિશ્વમાંથી હજારો પ્રવાસીઓ આવે છે તે તેની લોકપ્રિયતા સૂચવે છે. આ પ્રતિમાંના લોકાર્પણથી આજદિન સુધી અંદાજે ૪૦ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. સરદાર સાહેબની પ્રતિમા પ્રવાસીઓ માટે પ્રેરણાદાયક તો છે જ પણ તેની સાથોસાથ કેવડીયામાં આકાર પામેલ અન્ય પ્રોજેક્ટસ થકી પ્રત્યક્ષ રીતે ૪ હજારથી વધુ અને પરોક્ષ રીતે ૧૦ હજારથી વધુ રોજગારી પુરી પાડવાનું ભગીરથ કાર્ય સરકારશ્રીએ કર્યું છે. આગામી દિવસોમા વિશ્વભરના પ્રવાસીઓથી આ વિસ્તાર ધમધમી ઉઠશે અને જિલ્લાના અન્ય પ્રવાસન કેન્દ્રો સુવિકસીત થશે જે પ્રવાસન આધારીત રોજગારીનું ઉત્તમ મોડલ બની શકશે. વિકાસકુચમાં અગ્રેસર રહેલો નર્મદા જિલ્લો પ્રવાસન સહિત જુદાજુદા ક્ષેત્રોમાં ઉભી થનારી રોજગારીની વિપુલ તકોને લીધે આ જિલ્લાનો વિકાસ બમણી ગતિથી આગળ ધપશે તેવો દ્રઢ વિશ્વાસ શ્રી કોઠારીએ વ્યક્ત કર્યો હતો.

નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા વિવિધ લોક કલ્યાણકારી કાર્યો તેમજ જુદાજુદા વિભાગો દ્વારા થઇ રહેલી કામગીરીનો ઉલ્લેખ કરતા શ્રી કોઠારીએ જણાવ્યું હતું કે, પી.એમ કિસાન સમ્માન નિધી યોજના હેઠળ જિલ્લાના ૭૧,૧૦૬ ખેડુત કુટુંબોને રૂા. ૩૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લાના ૩૦,૨૦૦ ખેડુતોને અંદાજે રૂા. ૩૩.૧૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે. વિવિધ કૃષિલક્ષી યોજના હેઠળ ૪૪૨ ખેડુતોને રૂા. ૪૨.૧૮ લાખના ખર્ચે સાધન સહાયથી લાભાન્વીત કરવાની સાથે ૩૩૯ ખેડુતોને રૂા. ૭૦.૩૫ લાખના ખર્ચે સિંચાઇ સુવિધાના લાભો અપાયા છે. તેમણે જિલ્લામાં જુદા જુદા વિભાગો દ્વારા થયેલી કામગીરી અને લક્ષ્યાંક સિધ્ધિની વિસ્તૃત આંકડાકીય વિગતોની પણ રૂપરેખા આપી હતી.

       જિલ્લા કલેકટરશ્રી કોઠારીએ વધુમાં ઉમેર્યુ હતું કે, નર્મદા જિલ્લામાં વિકાસની સંભાવનાઓને લક્ષમાં લઇને કેન્દ્ર સરકારે આ જિલ્લાની આકાંક્ષી જિલ્લા તરીકે કરેલી ઘોષણા અન્વયે આરોગ્ય-પોષણ-શિક્ષણ-કૃષિ-બાગાયત-પશુપાલન-કૌશલ્ય વર્ધન- ફાઇનાન્સીયલ ઇન્કલુઝન અને માળાખાકીય સુવિધા શ્રેત્રે ખુબજ ઝડપથી આગળ વધી રહયો છે, ત્યારે આગામી ટૂંકા ગાળમાં કેન્દ્રિય નીતિ આયોગના પેરામીટર મુજબ ઉક્ત વિવિધ ક્ષેત્રે આ જિલ્લો નિયત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરશે જ તેવી  ટીમ નર્મદાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તરફથી દેશભક્તિના ગીતોની સાથે  પરંપરાગત નૃત્ય વગેરે જેવી ૯ જેટલી કૃતિઓ રજૂ થઇ હતી. તદ્ઉપરાંત જુડો-કરાટે અને સ્વરક્ષણ માટેના હેરતભર્યા નિદર્શનોને ઉપસ્થિત વિશાળ મેદનીએ મનભેર માણ્યાં હતાં અને આ તમામ કૃતિઓને ભારે હર્ષોલ્લાસ સાથે વધાવીને   ભાગ લેનાર વિદ્યાર્થીઓ – બાળકોને પ્રોત્સાહિત કરાયા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના હસ્તે સાગબારા તાલુકાના વિકાસ માટે પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયાને રૂા. ૨૫ લાખનો ચેક એનાયત કરાયો હતો. તેવીજ રીતે જિલ્લા આયોજન મંડળ હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીની ગ્રાન્ટમાંથી સાગબારા તાલુકાની શાળાઓમાં કન્યા શૌચાલયની સુવિધા માટે રૂા. ૩ લાખનું અનુદાન ફાળવવાની શ્રી કોઠારીએ ઘોષણા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી કોઠારી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ સરકારી વિભાગોમાં નોંધપાત્ર શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી કરી બહુમાન કરાયું હતું.

આજના પ્રજાસત્તાક પર્વ પ્રસંગે  વિવિધ સરકારી વિભાગો દ્વારા રજૂ થયેલા ૧૧ જેટલા ટેબ્લોઝમાં  પ્રથમ સ્થાને  નર્મદા વન વિભાગ, ધ્વિતીય સ્થાને આઇસીડીએસ વિભાગ અને તૃતિય સ્થાને પ્રાયોજના કચેરી-ટ્રાયબલ સબ પ્લાન કચેરી વિજેતા બની હતી. જયારે પરેડ અને માર્ચપાસ્ટમાં ભાગ લેનાર પ્લાટુનો પૈકી પ્રથમ નર્મદા પોલીસ પ્લાટુન નંબર ૧ અને  દ્વિતીય નર્મદા પોલીસ પ્લાટુન નંબર-૨ અને તૃતિય સ્થાને. એનસીસી કેડેટસ વિજેતા બન્યા હતાં.

તેવીજ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ થયેલી ૯ જેટલી કૃતિઓમાં પ્રથમ સાગબારાની એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ શાળા, દ્વિતીય પાટની વે મેઇડ હાઇસ્કુલ જ્યારે તૃતિય  સ્થાને સાગબારાની નવરચના હાઇસ્કુલની કૃતિ વિજેતા બની હતી. આ તમામ સાંસ્કૃતિક કૃતિઓને તેમજ ટેબ્લોઝ અને પરેડ-માર્ચ પાસ્ટમાં વિજેતા નિવડેલી ટૂકડીઓ અને વિભાગોને જિલ્લા કલેકટરશ્રી કોઠારી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી-પ્રશસ્તિપત્રો એનાયત કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજુ થયેલી વિવિધ કૃતિઓ અને જુડો-કરાટે નિદર્શન માટે જિલ્લા વહીવટીતંત્ર, વેપારી એસોશીએશન તેમજ વેપારી અગ્રણીઓ, પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે તરફથી જાહેર કરાયેલા અંદાજે  રૂા. ૭૦ હજારના રોકડ ઇનામો પણ એનાયત કરી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં.

આ પ્રસંગે  જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દામાભાઇ વસાવા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી બહાદુરભાઇ વસાવા, સાગબારા  તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી ઓલીબેન વસાવા, પૂર્વ મંત્રીશ્રી મોતીસિંહ વસાવા, રાજવી પરિવારના શ્રી માનવેન્દ્રસિંહજ ગોહિલ, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મનજીભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડયા, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી. બારીયા, સાગબારાના  પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયા સહિત જિલ્લા વહિવટીતંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ, તાલુકા-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, શાળાના બાળકો, નગરજનો-જિલ્લાવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી અને અન્ય મહાનુભાવોના હસ્તે હાઇસ્કુના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.