Western Times News

Gujarati News

SoU ખાતે CISFના ૨૨ જવાન સહિત ૫૦ને કોરોના

વડોદરા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. જેમાં સીઆઈએસએફના ૨૨ જવાન સહિત ૫૦ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે, ૩૧મી ઓક્ટોબરે એસઓયુને ત્રણ વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીની હિલચાલ ચાલી રહી છે. ત્યારે તેમની મુલાકાત પહેલા જ એસઓયુને કોરોના ફ્રી ઝોન બનાવવા માટે કોરોનાનો મેગા કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૫૦ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી જતાં તમામને આઈસોલેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા એસઓયુને કોરોનામુક્ત બનાવવા માટે તાજેતરમાં જ મેગા કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસઓયુના પરિસરના ૨૮૦૦ જેટલા કર્મચારીઓના કોરોના આરટી-પીસીઆર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સીઆઈએસએફના ૨૨ જવાન સહિત ૫૦ જેટલા કર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ૨૫૦૦ના સ્લેબમાં પ્રવાસીઓને પ્રવેશ આપવાની વિચારણા ચાલી રહી છે. જોકે, ઓફલાઈન બુકિંગ હાલ પૂરતું બંધ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દીધા બાદ હવે એસઓયુની સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફ સંભાળી રહ્યા છે. હાલ અહીં તહેનાત કરવામાં આવેલા ૨૭૦માંથી ૨૨ જવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમજ એસઓયુ અને એલએન્ડટી અને અન્ય એકમોમાં કામ કરતા ૨૮ જેટલા કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કોરોના મુક્ત બનાવવા માટે ગરૂડેશ્વર વાગડીયા ખાતે નર્મદા નિગમ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ કોરોનાના ટેસ્ટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં આવેલા ટૂરીસ્ટ પ્લેસ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ તેમજ જંગલ સફારી સહિતના સ્થળો પર કામ કરતા ૨૮૦૦ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.