મલ્ટિપલ વિઝાનો લાભ લઈને અયોગ્ય રીતે હજ યાત્રા કરનારાઓને અટકાવવા સાઉદીએ આ નિર્ણય લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/hajj-saudi-arabia-1024x569.jpg)
પ્રતિકાત્મક
સાઉદી અરેબિયાએ ભારતીયો માટે વિઝાના નિયમો બદલ્યા
(એજન્સી)રિયાદ, સાઉદી અરબે પોતાની વિઝા નીતિમાં મોટા ફેરફાર કર્યા છે, સાઉદીએ ભારત સહિત ૧૪ દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી દીધી છે, હવેથી માત્ર સિંગલ એન્ટ્રી વિઝા જ આપવામાં આવશે. આ નિયમ ૧ ફેબ્રુઆરીથી અમલમાં ગણાશે. મલ્ટિપલ વિઝાનો લાભ લઈને અયોગ્ય રીતે હજ યાત્રા કરનારાઓને અટકાવવા સાઉદીએ આ નિર્ણય લીધો છે.
સાઉદી સરકારે જે દેશોના મલ્ટિપલ વિઝા પર પ્રતિબંધ મુકી દીધો છે તેમાં ભારત, ઈન્ડોનેશિયા, ઈરાક, જોર્ડન, મોરક્કો, નાઇઝીરિયા, પાકિસ્તાન, સુદાન, યમન, બાંગ્લાદેશ જેવા કુલ ૧૪ દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતને બાદ કરતા મોટાભાગના મુસ્લિમ બહુમતવાળા દેશો છે. જોકે ભારતમાંથી પણ હજ યાત્રા માટે લાખો મુસ્લિમો સાઉદી જતા હોવાથી તેનો પણ સમાવેશ આ યાદીમાં કરાયો છે.
સાઉદી અરેબિયાના મલ્ટીપલ એન્ટ્રી વિઝા ધરાવતા લોકો હજ દરમિયાન હજ પરમિટ વિના અનધિકૃત રીતે હજ કરે છે, જેના કારણે મક્કામાં ભીડ વધે છે, જેને પગલે હજ યાત્રામાં વ્યવસ્થા પર અસર પહોંચે છે. સિંગલ એન્ટ્રી વિઝા સાથે, વ્યક્તિ માત્ર એક જ વાર દેશમાં પ્રવેશી શકે છે, જ્યારે મલ્ટિપલ એન્ટ્રી વિઝા એ લાંબા ગાળાનો વિઝા છે જે વિઝા ધારકને તે દેશની ઘણી વખત મુલાકાત લેવાની મંજૂરી આપે છે.
બદલાયેલા નિયમો અનુસાર, વિવિધ દેશોમાંથી આવતા પ્રવાસીઓ સિંગલ એન્ટ્રી વિઝા માટે જ અરજી કરી શકે છે. આ વિઝા ૩૦ દિવસ માટે માન્ય રહેશે અને પ્રવાસીઓ સાઉદીમાં વધુમાં વધુ ૩૦ દિવસ જ રહી શકશે.