200 CCTV ફૂટેજ પોલીસે ચેક કર્યાઃ બોપલના 50 લાખના દાગીનાની લૂંટના આરોપીઓને શોધવા
સાઉથ બોપલ જ્વેલર્સ લૂંટ કેસમાં લૂંટારૂઓને ઝડપી લેવા પોલીસે ર૦૦થી વધુ સીસીટીવીના ફૂટેજ તપાસ્યા-કનકપુરા જ્વેલર્સમાં રૂ.પ૦ લાખથી વધુ સોના-ચાંદીનાં દાગીનાંની લૂંટ થઈ હતી
અમદાવાદ, હવે અસુરક્ષિત અમદાવાદ કહેવું કંઈ ખોટું નથી કારણ કે લૂંટારૂઓ ઈચ્છા થાય ત્યારે બંદૂકની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપીને જતા રહે છે અને પોલીસ હાથ ઉપર હાથ રાખીને તમાશો જોતી રહે છે. ગઈકાલે શહેરના છેવાડે આવેલા સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના શો-રૂમમાં ચાર લૂંટારૂઓએ પ૦ લાખથી વધુ રૂપિયાના દાગીનાની લૂંટ કરીને નાસી જતાં ચકચાર મચી ગઈ છે.
લૂંટારૂઓના કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે ત્યારે હવે તેમને ઝડપી પાડવા માટે પોલીસે એડિચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદ જિલ્લા પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ર૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છે અને હજુ પણ તપાસ ચાલુ છે જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ પણ લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ઝંપલાવ્યું છે.
અમદાવાદ પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સ શો-રૂમમાં લૂંટ થતાં ચકચાર મચી છે. બપોરના સમયે ચાર લૂંટારૂઓ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે નાકાબંધી કરી લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.
શહેરના પોશ ગણાતા અને ટ્રાફિકથી ધમધમાટ વિસ્તારમાં લૂંટારૂઓ બિનદાસ્ત લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ પોતાના ખિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા. લૂંટારૂઓએ કુલ પ૦ લાખની લૂંટ કરી હતી જેમાં ૧.ર કિલો સોનું અને ત્રણ ચાર કિલો ચાંદીનો સમાવેશ થાય છે.
સાઉથ બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં ગઈકાલે ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. ચાર લૂંટારૂઓએ બંદૂકના નાળચે વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપતાં ખળભળાટ મચી ગયો છે. સાઉથ બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં બપોરના સમયે ચાર લૂંટારૂઓ આવ્યા હતા જેમાંથી એક લૂંટારૂ દુકાનની બહાર ઊભો રહ્યો હતો. જ્યારે ત્રણ લૂંટારૂઓ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી હતી.
આ ઘટનની જાણ બોપલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે અમદાવાદ જિલ્લાના એસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. લૂંટ કરવા માટે આવેલા લૂંટારૂઓને ખબર હતી કે, જ્વેલર્સના શોરૂમમાં સીસીટીવી કેમેરા હશે
જ્યારે જાહેર રોડ ઉપર પણ સીસીટીવી કેમેરા હશે. સીસીટીવી ફૂટેજમાં પોતાના મોઢા આવી ના જાય તે માટે લૂંટારૂઓએ હેલ્મેટ પહેરી હતી અને મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. લૂંટના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં લૂંટારૂઓ આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. આ તમામ દાગીના લૂંટારૂઓએ પોતાના ખિસ્સા અને થેલીમાં ભરી લીધા હતા.
સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો છે તેનાથી થોડા અંતરે એસપી રીંગ રોડ આવેલો છે. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ આરામથી નાસી જવાય તે માટે સાઉથ બોપલનો વિસ્તાર પસંદ કર્યો હતો. લૂંટારૂઓએ પહેલાં બે કલાક રેકી કરી હતી. ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
તે પછી તેઓ શાંતિથી નીકળી ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો છે. એનાથી બે કિલોમીટરના અંતરે જ બોપલ પોલીસ સ્ટેશન આવેલું છે. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ એ પહેલાં જ લૂંટારૂઓ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
પોલીસને શંકા છે કે, લૂંટમાં વપરાયેલા વાહનો ચોરીના હોઈ શકે છે. સામાન્ય રીતે લૂંટમાં જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તે ચોરીના હોય છે. પોલીસે ગઈકાલે ર૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. લૂંટારૂઓ ગુજરાતી હોય તેવી પોલીસને શંકા છે. કારણ કે, તેઓ લૂંટ દરમિયાન ગુજરાતી અને હિન્દી બોલતા હતા. લૂંટારૂઓએ પહેલાં વાહનની ચોરી કરી અને તે પછી લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.