દક્ષિણ ગુજરાતની બંધ પડેલી સુગર મિલોને આર્થિક પેકેજ આપી ફરી શરૂ કરવાની માંગ
સુરત, દક્ષિણ ગુજરાતમાં ૧,૭૬,પ૭૯ ખેડૂતના સભાસદ હિતમાં સહકારી સુગર મિલોમાં કરવામાં આવેલી વહીવટી બેદરકારી મામલે ઝીણવટભરી તપાસ કરવા માંગ કરાઈ છે. આ સાથે સહકારી સુગર મિલોને આર્થિક પેકેજ આપી ફરી કાર્યરત કરવા મુખ્યપ્રધાન સમક્ષ માંગ કરાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં કાંઠા સુગર, મરોલી સુગર, કોડિનાર સુગર, તલાલા સુગર તથા માંડવી સુગર જેવી સહકારી સંસ્થાઓ છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત હતી. આ તમામ સુગર મિલો સહકારી ભાવનાથી ચાલી રહી હતી પરંતુ સહકારી સુગર મિલોમાં રાજકીય દખલ અને વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવેલ ગેરવહીવટને કારણે આજે આ તમામ સહકારી સુગર મિલો બંધ હાલતમાં છે
જેને કારણે આ સહકારી સુગર મિલો સાથે હિત ધરાવતા ખેડૂતો અને ફરજ બજાવતા કર્મચારીઓની સ્થિતિ વિકટ બની છે. સાયણ સુગરના ડાયરેકટર દર્શન નાયક કહે છે કે, સરકાર દ્વારા ખેડૂતો સહકારી સંસ્થાને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયા શેરફાળા તરીકે ભંડોળ આપી અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવનાની જગ્યાએ થઈ રહેલ રાજકીય દખલબાજી અને વહીવટી બેદરકારીને કારણે કેટલીક સહકારી સંસ્થાઓ બંધ થવા પામેલ છે તથા કેટલીક સુગર મિલો શરૂ થઈ શકેલ નથી.