એવું તે શું થયું કે 181 પેસેન્જર લઈને જતું પ્લેન દક્ષિણ કોરિયામાં ક્રેશ થયું
દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, ૧૭૭નાં મોત- પ્લેનમાં કુલ ૧૮૧ના નાગરિકો સવાર હતાઃ ૧૭૭ના મૃતદેહ મળ્યાઃ બે વ્યક્તિનો બચાવ
(એજન્સી)બેંગકોક, દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે ૧૭૯ પર પહોંચી ગયો હોવાની આશંકા છે, જ્યારે માંડ બે લોકો બચી શક્યા છે. South Korea Plane Crash: 179 Dead as Jeju Air Flight Crash Lands at Muan Airport
સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં ૧૭૯ લોકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં લગભગ ૧૮૧ લોકો સવાર હતા. જેમાંથી ૨ને બચાવી શકાયાની માહિતી મળી રહી છે. હજુ બચાવકામગીરી ચાલી રહી છે. વર્ષના અંતે આ સૌથી મોટી કરુણાંતિકા માનવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાનું પણ મનાય છે. આ દુર્ઘટનામાં ૧૭૯ લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. પહેલા મૃત્યુઆંક ૨૮ જાહેર કરવામાં આવ્યો હતો. જે વધીને ૮૫ પર પહોંચ્યો હતો.
જોકે વિમાનમાં કુલ ૧૭૫ મુસાફર અને ૬ ક્રૂ મેમ્બર્સ સહિત ૧૮૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી ઉડ્યું હતું. તે દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશન એરપોર્ટ પર લેન્ડ કરવા જતાં જ આગની લપેટમાં આવી ગયું હતું અને રનવેથી લપસી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે.
મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.રેસ્ક્યુ ટીમે માહિતી આપી છે કે ૨ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. બાકીના ૩ મુસાફરોના મોતની આશંકા છે. મૃત્યુ પામેલાઓમાં ૮૨ પુરુષો અને ૮૩ મહિલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ સુધી ૧૧ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
આ અકસ્માત ભારતીય સમય મુજબ સવારે ૫ઃ૩૭ વાગ્યે (સ્થાનિક સમય મુજબ સવારે ૯ઃ૦૭ વાગ્યે) થયો હતો. પ્લેન મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. તે જ સમયે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. આ કારણે તેના પૈડા ખુલીને નીચે આવતા ન હતા.
પૈડાં ન ખૂલતાં વિમાને ઈમરજન્સી બેલી લેન્ડિંગ કરાવ્યું હતું. આમાં પ્લેનની બોડી સીધી રનવે સાથે ટકરાય છે. આ દરમિયાન વિમાન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાયું. વિમાન અથડાતાની સાથે જ ભારે વિસ્ફોટ થયો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું.
દુર્ઘટના બાદ એરપોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અહીં તમામ લોકલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. જેજુ એરલાઈન્સનું જે પ્લેન ક્રેશ થયું તે અમેરિકન કંપની બોઈંગનું ૭૩૭-૮૦૦ પ્લેન હતું. વિમાને બે વખત એરપોર્ટ પર લેન્ડ કરવાની કોશિશ કરી. પહેલી કોશિશમાં લેન્ડિંગ ગિયર ન ખૂલવાને કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી વિમાને એરપોર્ટનાં ચક્કર લગાવ્યાં.
બીજી વખત પાઇલટે લેન્ડિંગ ગિયર વગર પ્લેનને લેન્ડ કર્યું. ઘણા મીડિયા રિપોટ્ર્સ અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ પક્ષી પ્લેનની વિંગ સાથે અથડાયું હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર બગડી ગયું અને લેન્ડિંગ વખતે ખૂલી શક્યું નહીં.
મુઆન એરપોર્ટના ફાયર ઓફિસરે ન્યૂઝ એજન્સી રોઇટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આગ ઓલવવામાં ૪૩ મિનિટ લાગી હતી. હાલ દુર્ઘટના સ્થળે બચાવકાર્ય ચાલી રહ્યું છે. મોટાભાગના લોકો પ્લેનના પાછળના ભાગમાં હતા, તેમને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં ૧૭૩ દક્ષિણ કોરિયન અને ૨ થાઈ નાગરિકો હતા.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર બચી ગયેલા બંને ક્રૂ મેમ્બર છે. કેનેડામાં શનિવારે રાતે (ભારતીય સમય મુજબ રવિવારે સવારે ૮ વાગ્યે) હેલિફેક્સ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે પેસેન્જર પ્લેન લપસી ગયું હતું. લેન્ડિંગ વખતે પ્લેનનો એક ભાગ રનવે તરફ નમી ગયો હતો. જેના કારણે પ્લેનની વિંગમાં આગ લાગી હતી. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું નથી.
૨૫ ડિસેમ્બરે અઝરબૈજાનથી રશિયા જતું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ પાસે ક્રેશ થયું હતું. પ્લેનમાં ૫ ક્રૂ મેમ્બર સહિત ૬૭ લોકો સવાર હતા. જેમાંથી ૩૮ લોકોનાં મોત થયા હતા. આ પ્લેન અઝરબૈજાનની રાજધાની બાકુથી ગ્રોઝની પહોંચવાનું હતું.