SP રીંગ રોડના ૧૮ જંકશનો પર ટ્રાફિક સિગ્નલ ઉભા કરાશે
એસ.પી.રીંગ રોડ પર સ્થળ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એકાદ બે સ્થળે અંડરપાસ પણ બની શકે છે.
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ.પી.રીંગ પર સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત ૧૮ ટ્રાફિક સિગ્નલો ઉભા કરવામાં આવશે. એસ.પી.રીંગ પર વસુલ થતાં ટોલ ટેક્ષની આવક આડામાં જમા થઈ રહી છે તેથી ટ્રાફિક સિગ્નલોનો ખર્ચ ભોગવવાની સૈધ્ધાંતિક મંજુરી પણ ઔડા દ્વારા આપવામાં આવી છે.
શહેરના ટ્રાફિક ભારણને ઘટાડવા તથા ભારે વાહનો બારોબાર જઈ શકે એવા આશયથી પ૬ કી.મી. લંબાઈનો રીંગ રોડ ઔડા દ્વારા બનાવવામાં આવ્યો છે. જેના પર ત્રણ સ્થળે ટોલ બુથ મુકવામાં આવ્યા છે. એેસ.પી.રીંગ રોડની યોગ્ય દેખરેખ થતી ન હોવાથી ટોલટેક્ષની રકમ ઔડામાં જમા થશે તે મતબલનો પરિપત્ર થોડા દિવસો પહેલા જ થયો છે. ઔડાની માલિકીના એસ.પી. રીંગ તૈયર થયેલ ફલાય ઓવરનો ખર્ચ પણ રાજ્ય સરકારે ભોગવ્યો છે. આમ, એસ.પી. રીંગ રોડના નિર્માણ અને નિભાવની કોઈ જ જવાબદારી મ્યુનિસિપલના શીરે નથી. તેથી રીંગ રોડના ૧૮ જંકશનો પર રૂ.સાત કરોડના ખર્ચેથી તૈયાર થનાર ટ્રાફિક સિગ્નલના ટેન્ડર અને ઈન્સ્ટોલેશનના કામ મનપા કરશે.
એસ.પી.રીંગ રોડ પર બનનાર ટ્રાફિક સિગ્નલ: ૧. આંબલી સર્કલ, ૨. બોપલ સર્કલ, ૩. દાસ્તાન સર્કલ, ૪. દહેગામ સર્કલ, ૫. કામોદ સર્કલ, ૬. કઠવાડા જીઆઈડીસી સર્કલ, ૭. લાલ ગેબી હાથીજણ સર્કલ, ૮. લીંબાડીયાગામ સર્કલ, ૯. ઓગણજ સર્કલ, ૧૦. સાણંદ સર્કલ, ૧૧. સનાથલ સર્કલ, ૧૨. સાયન્સ સિટી સર્કલ, ૧૩. શાંતિપુરા સર્કલ, ૧૪. તપોવન સર્કલ, ૧૫. વૈષ્ણોદેવી સર્કલ, ૧૬. ઝુંડાલ સર્કલ, ૧૭. ઓઢવ રિંગરોડ સર્કલ, ૧૮. નારોલ સર્કલ
મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન રમેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર રીંગ રોડ પર સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક સિગ્નલો તૈયાર કરવામાં આવશે. જેના માટે પ્રથમ વખત ટેન્ડર જાહેર થયા તેમાં માત્ર એક જ કંપનીએ ભાગ લીધો હતો. તેથી ૧૮ સિગ્નલો માટે રી-ટેન્ડર કરવામાં આવ્યા હતા. જેમાં બે કંપનીઓએ ભાગ લીધો હતો. જે પૈકી ઓછા ભાવ ભરનાર સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
એસ.પી. રીંગ રોડ ઉભા કરનાર ૧૮ ટ્રાફિક જંકશનો પર સિગ્નલોનો ખર્ચ ઔડા દ્વારા જ ભોગવવામાં આવશે. તથા અં અંગે ઔડા તરફથી લેખિત મંજુરી પણ મ્યુનિસિપલ કોર્પોેરશનને મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા તથા ઈન્સ્ટોલેશનની જવાબદારી લેવામાં આવી છે. એસ.પી.રીંગ રોડ ઉપર ટ્રાફિક ભારણ વધી રહ્યુ છે.
જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અને ટ્રાફિક પોલીસ વિભાગની જરૂરીયાત મુજબ ટ્રાફિક સિગ્નલ તૈયાર કરવામાં આવશે. જેમાં આંબલી, બોપલ, દાસ્તાન, દહેગામ, કમોડ,હાથીજણ, સાણંદ, શાંતિપુરા, તપોવન સર્કલનો સમાવેશ થાય છે. એસ.પી. રીંગ પરના ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ પાંચ જંકશનો પર ફલાયઓવર બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. તથા તે અંતર્ગત ઓઢવ (કઠવાડા) ખાતે ફલાય ઓવર કાર્યરત થઈ ચુક્યો છે. જ્યારે અન્ય ચાર જંકશનો પર ફલાયઓવરના કામ ચાલી રહ્યા છે. એસ.પી.રીંગ રોડ પર સ્થળ પરિસ્પથિતિને ધ્યાનમાં લઈ એકાદ બે સ્થળે અંડરપાસ પણ બની શકે છે. એસ.જી.હાઈવે પર થલતેજ અંડરપાસના કારણે ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં રાખીને જરૂરીયાત મુજબ અંડરપાસ બનાવવા માટે પણ ભવિષ્યમાં વિચારણા થશે એમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.