SP નેતા ધર્મેન્દ્ર પટેલ પર તલવાર, ડંડાથી હુમલો
લૉકડાઉન દરમિયાન યુવતીની છેડતી સંદર્ભે નેતાએ દરમિયાનગીરી કરતા મામલો બિચક્યો હતો
ગાંધીનગર, કલોલ ખાતે SP નેતા ધર્મેન્દ્ર પટેલ (Kalol Gandhinagar Dharmendra Patel) પર જીવલેણ હુમલો થયો છે. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. હુમલા બાદ ધર્મેન્દ્ર પટેલને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર પટેલનું કહેવું છે કે અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે.
પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓને ઓળખવાની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે કલોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ધર્મેન્દ્ર પટેલ પર જૂની અદાવતમાં હુમલો થયો છે. મળતી માહિતી પ્રમાણે લૉકડાઉન દરમિયાન એક યુવતીની છેડતી થઈ હતી. આ દરમિયાન ધર્મેન્દ્ર પટેલે દરમિયાનગીરી કરી હતી.
આ મામલે પહેલા ઝઘડો પણ થયો હતો. આથી આશંકા છે કે છેડતીના જૂના મામલે અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે.
કલોલ પોલીસે હુમલા અંગે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. સીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર પટેલ એક દુકાનમાં દોડી આવે છે, તેની પાછળ બેથી ત્રણ લોકો દુકાનમાં ધસી આવે છે.
આ દરમિયાન ધર્મેન્દ્ર પટેલ અંદરથી દુકાનના દરવાજાને ધક્કો મારી રાખે છે. જોકે, હુમલાખોરો દરવાજાને ધક્કો મારીને અંદર ધસી આવી છે. હુમલાખોરના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર તેમજ લાકડી અને લોખંડના પાઇપ હોય છે. તમામ લોકો આ હથિયાર સાથે ધર્મેન્દ્ર પટેલ પર હુમલો કરે છે. આ દરમિયાન ધર્મેન્દ્ર પટેલ હુમલાખોરથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
આ સમયે દુકાનમાં બે લોકો હાજર હોવાનું લાગી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હુમલા બાદ ધર્મેન્દ્ર પટેલના હાથમાંથી લોહી નીકળી રહ્યું છે. હુમલાખોરથી બચવા માટે તેઓ હાથ વડે તલવાર પકડી રાખે છે.
આ દરમિયાન અન્ય હુમલાખોરો તેના પર લાકડી અને તલવારથી હુમલો કરી રહ્યા છે. આ હુમલો ૨૭મી તારીખે સાંજના પાંચ વાગ્યાની આસપાસ થયાનું સીસીટીવીમાં જોઈ શકાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ચાર જેટલો હુમલાખોરો ધર્મેન્દ્ર પટેલને ખેંચીને દુકાનમાંથી બહાર લાવે છે.