પે એન્ડ યુઝ ટોઈલેટની સફાઈ માટે ખાસ પગલાં લેવાશેઃ દેવાંગ દાણી
શહેરની સફાઈમાં વિવિધ એનજીઓની મદદ લેવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા (સ્વચ્છતાના ૬૦ દિવસ) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે પૂર્ણ થયા બાદ પણ શહેરને સ્વચ્છ બનાવવા માટે વિવિધ પ્રકારની સફાઈ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેમાં અલગ અલગ એનજીઓની પણ મદદ લેવાશે આ ઉપરાંત પબ્લીક પે એન્ડ યુઝની સફાઈ પર પણ ભાર આપવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છતામાં અગ્રીમ ક્રમાંક મળે તે માટે વોર્ડ કક્ષાએ એક અલગ પ્રકારની જ સફાઈ ઝુંબેશ શરૂ થશે જેમાં વિવિધ એનજીઓને પણ જવાબદારી આપવામાં આવશે. સફાઈ ઝુંબેશમાં ભાગ લેનાર એનજીઓને તમામ પ્રકારની મશીનરી અને જરૂરિયાત મુજબના સાધનો કોર્પોરેશન તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પે એન્ડ યુઝ ના સંચાલકોને દર મહિને રૂ.રપ હજાર આપવામાં આવે છે તેમ છતાં તેની સફાઈ મામલે વારંવાર ફરિયાદો મળતી રહે છે આથી જાહેર શૌચાલયો પે એન્ડ યુઝ અને યુરિનલની સ્વચ્છતા મામલે પણ અલગથી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. શહેરના કોમ્યુનીટી હોલ કોન્ટ્રાકટ પર આપવામાં આવ્યા છે
જેમાં જે દિવસનું બુકીંગ હોય તેના આગલા દિવસે જ ટોઈલેટની સફાઈ થતી હોય છે. કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટના કોન્ટ્રાકટર લાંબાગાળા માટે આપવામાં આવ્યા હોવાથી તેના ટોઈલેટની સફાઈ પણ દૈનિક ધોરણે કરવામાં આવે તેવી સુચના પણ જવાબદાર અધિકારીઓને આપવામાં આવી છે.
શહેરમાં પ્લાસ્ટીકના કચરાને નાબુદ કરવા માટે પણ પગલાં લેવામાં આવશે ખાસ કરીને જે સ્થળે એક હજાર કે તેથી વધુ લોકોના પ્રસંગ-જમણવાર હોય તેવા સ્થળે પ્લાસ્ટીક ક્રશર મશીન મુકવામાં આવશે જેમાં સ્થળ પર જ પ્લાસ્ટીક વેસ્ટનો નાશ થઈ જશે અને ક્રશર મશીનમાં જે પ્લાસ્ટીક પાવડર ઉત્પન્ન થશે તેનું વેચાણ કરવામાં આવશે અથવા આવા મશીન પીપીપી ધોરણે મુકવા માટે તંત્ર તરફથી જગ્યા ફાળવવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.