2.10 કિલો સોનું ખરીદવા આવેલા ભેજાબાજોએ અનુપમ ખેરના ફોટાવાળી બોગસ નોટો આપી ફરાર
ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટાવાળી બોગસ નોટો ઝડપાઇ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની કે જે જોઈને તમારે હસવું કે રડવું એ નક્કી નહીં કરી શકાય. થયું એવું કે માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે ૨૧૦૦ ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે ૧.૬૦ કરોડમાં ડિલ થઈ.
સોનુ તેમણે સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મગાવ્યુ જેની સામે રૂપિયા ૫૦૦ ની દરની ૧.૩૦ કરોડની રકમ પણ આપી અને બાકીના ૩૦ લાખ રૂપિયા ઓફિસેથી જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ૧.૩૦ કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ ૫૦૦ ના દરની નોટો નકલી હતી.
એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો હોવાનું સામે આવ્યું હતું અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી. વેપારી સાથે ૧.૩૦ કરોડની ડુપ્લીકેટ નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.