નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઇ: બેનાં મોત
નવસારી, નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા.
કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો. મૃતકોની ઓળખ પાર્થ ડોબરિયા અને વિકેશ ખાંટ તરીકે થઇ છે જ્યારે ઘાયલ યુવકોની ઓળખ નીરજ ડોબરિયા અને હર્ષિલ ઠુમ્મર તરીકે થઇ છે. મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો કાર લઇને સાપુતારા ફરવા જઇ રહ્યા હતા ત્યારે વાંસદા નજીક અકસ્માત નડ્યો હતો.
અકસ્માતને પગલે કાર ચાલક યુવક અને અન્ય એક યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ચારેય મિત્રો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ હોવાની જાણકારી મળી છે.
ગઇકાલે સુરતમાં પણ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર કડોદરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. રોડ ક્રોસ કરી રહેલા પતિ-પત્નીને ટ્રકે અડફેટે લીધા હતા. મહિલાને ટ્રકે કચડતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતને પગલે કડોદરા પોલીસ અને જિલ્લા ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજાે મેળવી પી.એમ.અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના કારણે ૫ વર્ષીય પુત્ર સહિત ૪ બાળકોએ માતા ગુમાવી હતી. સુરતના મોરાભાગળ વિસ્તારમાં એક બાઈક પર છ સવારી જઈ રહેલ યુવકોનો ફોટો પાડી એક નાગરિકે ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર પર મોકલી આપ્યો હતો. પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ કરાવી બે જ કલાકમાં બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી આરોપીને જહાંગીરપુરા પોલીસ મથક સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની તથ્યકાંડની ઘટના બાદ સુરતમાં ટ્રાફિક પોલીસે સ્ટંટ બાજી કે ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવતા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી છે. તે માટે લોકો પણ પોલીસને મદદ કરે તે હેતુથી ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો.SS1MS