Western Times News

Gujarati News

મ્યુનિ.બજેટની મોટી રકમનો ખર્ચ મરજિયાત સેવાઓ પાછળઃ પ્રાથમિક સુવિધા માટે નાગરિકોનાં વલખાં

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા છેલ્લા દોઢ દાયકાથી “વિકાસ”ની વાતો કરવામાં આવે છે પરંતુ કોઈપણ શહેરનો કેટલો અને કેવો વિકાસ થયો છે ? તે બાબતનો અંદાજ તેની નાણાકીય સ્થિતી પરથી આવે છે.

મ્યુનિ. વહીવટીતંત્ર અને સતાધારી પાર્ટી દ્વારા દર વરસે બજેટની રકમમાં ધરખમ વધારો કરવામાં આવે છે, પરંતુ વર્ષાન્તે બજેટને “રીવાઈઝ્‌ડ” કરવાની ફરજ પડે છે. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કમિશ્નર દ્વારા રીવાઈઝ્‌ડ કરવામાં આવેલા બજેટની ૭૦ ટકા રકમ પણ તંત્ર દ્વારા ખર્ચ થતી નથી,

જયારે સતાધારી પક્ષ દ્વારા જે કેપીટલ ખર્ચને “વિકાસ” તરીકે જાહેર કરવામાં આવે છે તે કેપીટલ ખર્ચનો મોટો હિસ્સો લગભગ ૩૦ ટકા રકમ મરજીયાત સેવાઓ માટે ખર્ચ થઈ રહી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરીકો પાસેથી જે વેરો લેવામાં આવે છે તેનો ઉપયોગ નળ, ગટર, રોડ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે કરવાનો રહે છે, પરંતુ મ્યુનિ. તંત્ર દ્વારા આવકનો મોટો હિસ્સો મરજીયાત સેવાઓ માટે ખર્ચ કરવામાં આવે છે જયારે કરદાતા બારે મહીના પાણી, રોડ, લાઈટ વગેરે માટે વલખા મારતો રહે છે.

જાહેર પરિવહન અને સ્વાસ્થ્ય સેવાઓ સરકારની જવાબદારી છે જેનો ખર્ચ મ્યુનિ. તંત્ર ભોગવી રહયુ છે જયારે કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા સાબરમતી રીવરફ્રન્ટનો ખર્ચ પણ નાગરીકોના શિરે રહયો છે. મ્યુનિ. શાસકો દ્વારા વી.એસ.ને નામશેષ કરવા માટે “મેટ”ની રચના કરવામાં આવી હતી,

જેમાં એસવીપી હોસ્પીટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. સતાધીશો દ્વારા નિર્મિત અને અધિકારીઓ દ્વારા શાસિત મેડીકલ એજયુકેશન ટ્રસ્ટનો ખર્ચ પણ રર લાખ મિલ્કત ધારકો ભોગવી રહયા છે. મ્યુનિ. નાણા વિભાગે એસવીપી નિભાવ ખર્ચ માટે માસિક રૂા.૧૭ કરોડની માંગણી કરવામાં આવી છે. પરંતુ આ માંગણી પણ ઓકટ્રોય ગ્રાન્ટ જેવી જ રહેશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વાર્ષિક રૂા.૮૦૦૦ કરોડથી વધુ રકમના બજેટ જાહેર કરવામાં આવી રહયા છે. પરંતુ તેની સામે ખર્ચ કરવા માટે પુરતી રેવન્યુ અને કેપીટલ આવક થતી નથી જેના કારણે બજેટ માત્ર “કાગળ” પર જ રહે છે અને “વિકાસ”ના દાવા “રેવડી” સાબિત થાય છે,

જયારે જે કેપીટલ ખર્ચ થાય છે તેનો મોટો હિસ્સો બિનજરૂરી અને મરજીયાત ખર્ચ માટે થઈ રહયો છે, ર૦૧૬-૧૭માં રૂા.ર૦૭૩.૧૬ કરોડ કેપીટલ ખર્ચ થયો હતો જે પૈકી રીવરફ્રન્ટ, મેટ, એએમટીએસ, જનમાર્ગ તથા સ્માર્ટ સીટીને રૂા.૬૦૯.ર૮ કરોડની માતબર રકમ લોન/ગ્રાન્ટ પેટે આપવામાં આવી હતી, મતલબ કે કેપીટલ ખર્ચના લગભગ ૩૦ ટકા રકમ બિનજરૂરી સેવાઓ માટે ખર્ચ થઈ રહયા છે,

જયારે પ્રજાલક્ષી વિકાસના કામો અને કોન્ટ્રાકટરના પેમેન્ટ અટકી પડે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મરજીયાત સેવાઓ માટે થતા ખર્ચના કારણે આર્થિક ભીંસ વધી રહી છે. મ્યુનિ. કર્મચારીઓના પગાર-પેન્શન માટે પણ લોન લેવાની નોબત આવી છે તદ્‌પરાંત ખોટા દંભ-દેખાવ માટે રીવરફ્રન્ટ માટે પણ રૂા.૩૦૦ કરોડ કરતા વધુ રકમની લોન લેવામાં આવી છે

જેનો વ્યાજ ભાર પણ રર લાખ મિલ્કતધારકો પર આવી રહયો છે. શહેરમાં એએમટીએસની સેવાને અપગ્રેડ કરવાના બદલે રૂા.૧પ૦૦ કરોડનો ખર્ચ કરી જનમાર્ગ સેવા શરૂ કરવામાં આવી છે, જેના નિભાવ માટે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી પર વાર્ષિક રૂા.૬૦ કરોડનો બોજ આવી રહયો છે,

સ્માર્ટ સીટી માટે દર વરસે રૂા.પ૦ કરોડ કરતા વધુ રકમ ફાળવવામાં આવે છે, જેમાં શાસકોને અંધારામાં રાખી જે કામો કરવાના હોય તેવા કામ “સ્માર્ટ સીટી”માં થઈ રહયા છે, અંતે તિજાેરી ખાલી થાય છે અને નાગરીકો સુવિધા માટે વલખા મારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.