સ્પાઈસજેટ નાણાંકીય ભીડમાં, સ્પેરપાર્ટસ માટે પણ નાણાં નથી
(એજન્સી)નવી દિલ્હી, બજેટ એરલાઈન સ્પાઈસજેટ આજકાલ તેની જાેખમી ઉડાનોના કારણે ચર્ચામાં છે. તેના વિમાનોમાં વારંવાર ટેકનિકલ સમસ્યા પેદા થતી રહે છે, વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે છે
અને પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી જાય છે. સ્પાઈસજેટની સમસ્યા માત્ર આટલે સુધી મર્યાદિત નથી. વાસ્તવમાં તે ગંભીર નાણાકીય સંકટમાં (છે અને તેના કારણે સુરક્ષા સામે સવાલ પેદા થયા છે.
ડીજીસીએની તપાસમાં બહાર આવ્યું છે કે ગયા સપ્ટેમ્બરથી સ્પાઈસજેટે તેના વેન્ડર્સ કે સપ્લાયર્સને રૂપિયા ચુકવ્યા નથી. એટલું જ નહીં, તેની પાસે જરૂરી સ્પેરપાર્ટ્સ માટે પણ નાણાંની અછત છે. ૨૦૧૫માં સ્પાઈસજેટ સાવ મરવા પડી હતી ત્યારે તેના સ્થાપક અજય સિંહ મસિહા બનીને આવ્યા અને તેમાં મૂડી રોકીને એરલાઈનને ઉગારી લીધી.
અત્યારે પણ સ્પાઈસજેટને જંગી મૂડીની જરૂર છે અને નવું ઈન્વેસ્ટમેન્ટ નહીં આવે તો ક્યારે શું થશે તે કહી શકાય તેમ નથી. તમામ એરલાઈન સ્ટોક્સમાં સ્પાઈસજેટનો દેખાવ સૌથી ખરાબ છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરથી કંપનીએ તેના રિઝલ્ટ પણ જાહેર કર્યા નથી અને તેના સર્વરમાં ખામી હોવાનું બહાનું કાઢે છે.
તાજેતરમાં ૫ જુલાઈએ સ્પાઈસજેટની ફ્લાઈટને કરાચી ઉતારવી પડી હતી કારણ કે તેની ઈન્ડિકેટર લાઈટ બરાબર કામ કરતી ન હતી. તે જ દિવસે બીજા એક વિમાનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી જતા મુંબઈમાં તાત્કાલિક ઉતરાણ કરાવવું પડ્યું. ૨ જુલાઈએ સ્પાઈસજેટની એક ફ્લાઈટની કોકપિટમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો.
આમાંથી કોઈ ઘટના જીવલેણ ન હતી અને કોઈ પણ પ્રવાસીને ઈજા થઈ ન હતી. પરંતુ સ્પાઈસજેટમાં જેટલી ફ્રિકવન્સીથી આવી ઘટનાઓ બને છે તે ચિંતાજનક છે.
૨૧,૦૦૦ પ્રવાસીઓ પર કરવામાં આવેલા સરવેમાં મોટા ભાગનાએ કહ્યું કે તેઓ સ્પાઈસજેટમાં ઉડાન ભરવાનું ટાળશે. જાેકે, સ્પાઈસજેટ પર તેની અસર દેખાતી નથી. તેના પ્રવાસીઓ સતત વધતા જાય છે. ઈન્ડિગોમાં પેસેન્જર લોડ ફેક્ટર ૮૧ ટકા છે જ્યારે સ્પાઈસજેટમાં તે ૮૯ ટકા છે.
ભારતમાં કોવિડ આવ્યો તે પહેલાથી એરલાઈન્સ અત્યંત પાતળા માર્જિન પર બિઝનેસ કરતી હતી. કોવિડના કારણે એરલાઈન્સને મરણતોલ ફટકો પડ્યો જેમાં સ્પાઈસજેટ પણ સામેલ હતી. સ્પાઈસજેટ સળંગ ત્રણ વર્ષથી ખોટ ખાય છે અને તેની કુલ ખોટ ૨૨.૫ અબજ રૂપિયા સુધી પહોંચી છે.
કોરોના વખતે તેણે પાઈલટના પગારમાં કાપ મુક્યો હતો જે હજુ સરભર કરવામાં આવ્યો નથી. સ્પાઈસ જેટ હવે તેની કાર્ગો સર્વિસ સ્પાઈસ એક્સપ્રેસને અલગ કંપનીમાં રૂપાંતરિત કરવા માંગે છે જેનાથી તે ૨૫.૬ અબજ રૂપિયાની બચત કરી શકશે.